જિલ્લા પંચાયત આયુષ શાખા અને વનવિભાગ સુરતની સંયુક્ત પહેલથી ૧૬૩ વનકર્મીઓનું સઘન આરોગ્ય ચેકઅપ
સુરત જિલ્લા પંચાયતની આયુષ શાખા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે માંડવીના કેવડી ઇકો ટુરિઝમ સાઇટ ખાતે બે દિવસીય ‘આયુષ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ’ સંપન્ન થયો હતો. આ કેમ્પનો ઉદ્દેશ્ય દિવસ-રાત જંગલોની સુરક્ષામાં કાર્યરત વનકર્મીઓના સ્વાસ્થ્યની જાળવણી કરવાનો હતો. જિલ્લા આયુષ અધિકારી ડૉ. મિલન દશોંદી અને RFO એચ. જે. વાંદાએ ભગવાન ધન્વંતરિના પૂજન સાથે આ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો.
વનકર્મીઓનું સઘન નિદાન અને ફોલોઅપ
કેમ્પમાં કુલ ૧૬૩ વનકર્મીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૩ કર્મચારીઓમાં હાઈ બ્લડપ્રેશરની સમસ્યા મળી આવી હતી. આ કર્મચારીઓ માટે આયુષ વિભાગ દ્વારા ખાસ ફોલોઅપ સારવારનું આયોજન કરવામાં આવ્યું છે. તપાસ બાદ જરૂરિયાત મુજબ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આયુર્વેદિક જીવનશૈલી અને શ્રી અન્નનું મહત્વ
માત્ર નિદાન જ નહીં, પરંતુ બીમારીઓથી બચવા માટે માર્ગદર્શન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો:
-
જીવનશૈલી સુધારો: ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી બચવા માટે આહાર અને યોગના મહત્વ વિશે સમજૂતી અપાઈ.
-
શ્રી અન્ન (Millets): રસોડામાં વપરાતા મસાલા અને મિલેટ્સના ઔષધીય ગુણો વિશે જાણકારી આપવામાં આવી.
-
પ્રદર્શન: આયુર્વેદોક્ત દિનચર્યા અને ઋતુચર્યાના ચાર્ટ્સ સાથેનું ઓડિયો-વિઝ્યુઅલ પ્રદર્શન યોજાયું, જેનો ૨૪૦થી વધુ પ્રવાસીઓ અને સ્થાનિકોએ લાભ લીધો હતો.
વન પરિભ્રમણ અને ઔષધીય જ્ઞાન
કેમ્પના ભાગરૂપે આયુષ ડૉક્ટરોએ વન વિસ્તારમાં ‘વન પરિભ્રમણ’ કરી સ્થાનિક ઔષધીય વનસ્પતિઓની ઓળખ કરી હતી. ઘરઆંગણે ઉગાડી શકાય તેવી તુલસી, અરડૂસી અને ગિલોય જેવી વનસ્પતિઓના ફાયદાઓ વિશે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજનમાં જિલ્લા પંચાયતના આયુર્વેદ અને હોમિયોપેથિક મેડિકલ ઓફિસર્સની ટીમે પાયાની ભૂમિકા ભજવી હતી.
