બિહારમાં ‘મતદાર અધિકાર યાત્રા’ દરમિયાન ખડગેએ ચૂંટણી પંચ અને RSS પર પણ નિશાન સાધ્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે (૧૭ ઓગસ્ટ, ૨૦૨૫) બિહારના સાસારામમાં યોજાયેલી રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આક્ષેપ કર્યા. ‘મતદાર અધિકાર યાત્રા’ના પ્રારંભ પ્રસંગે લોકોને સંબોધતા તેમણે મોદીને “ખતરનાક વ્યક્તિ” ગણાવ્યા અને કહ્યું કે જેમને તાત્કાલિક સત્તા પરથી દૂર કરવાના છે.
ખડગેએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જે દાવા કર્યા, તેઓ હકીકતમાં લોકશાહી અને બંધારણ માટે જોખમરૂપ છે. “ભાજપના શાસન દરમિયાન બંધારણ સતત જોખમ હેઠળ છે અને નાગરિકોના અધિકારોનું અવમૂલ્યન થઈ રહ્યું છે,” એમ તેમણે કહ્યુ હતું.

“ચૂંટણી પંચ હવે મોદી સરકારનું એજન્ટ”
ખડગેએ તીવ્ર રીતે આક્ષેપ કર્યો કે હાલની મોદી સરકાર હેઠળ ચૂંટણી પંચ પોતાના નિષ્પક્ષ પદ પરથી ભટકી ગયું છે. “મોદી સરકારે 2023માં એવું કાયદા લાવ્યું જેમાં જો ચૂંટણી પંચના સભ્ય કે અધ્યક્ષ દ્વારા કોઈ ખોટું કામ થાય તો પણ તેમની સામે FIR અથવા કોઈ ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં,” એમ ખડગેએ જણાવ્યું.
તેમના મતે આ કાયદો 2024ની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપના હિત માટે બનાવવામાં આવ્યો હતો. “આ મંચ પરથી હું કહી રહ્યો છું કે 2023માં તૈયારી થઈ ગઈ હતી અને 2024માં જનતાની સાથે છેતરપિંડી,” એમ ખડગેએ દાવો કર્યો.
RSS પર પણ નિશાન: “અંગ્રેજોના સાથીદારોને મોદીની પ્રશંસા”
ખડગેએ વડાપ્રધાન દ્વારા RSSની પ્રશંસા અંગે પણ અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું, “મોદી કહે છે કે RSS છેલ્લા 100 વર્ષથી દેશની સેવા કરી રહ્યું છે, પણ આ જ સંગઠન અંગ્રેજોના સાથીદાર હતું. જ્યારે દેશ આઝાદી માટે લડી રહ્યો હતો, ત્યારે તેઓ વિરુદ્ધમાં હતા.”

“કોંગ્રેસ હંમેશાં લડી છે અને લડતી રહેશે”
અંતે ખડગેએ જણાવ્યું કે કોંગ્રેસ સતત નાગરિકોના હકો માટે લડતી રહી છે. “આજે જે મતચોરી થઈ રહી છે, તે સામે લડવું જ પડશે. લોકશાહી બચાવવી છે તો પ્રથમ પંક્તિમાં રહીને આ ‘ચોર સરકાર’ને દૂર કરવી પડશે,” એમ તેમણે તાજેતરના NDA શાસન પર આક્ષેપ મૂકતાં જણાવ્યું.
