ચોમાસુ ડુંગળીમાં વરસાદે પાણી ફેરવ્યું, ખેડૂતોની આર્થિક હાલત બગડી
Kharif Onion Crop: આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ખેડૂતો દ્વારા ચોમાસુ ડુંગળી (Kharif Onion Crop)નું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. સારી ઉપજની આશા રાખતા ખેડૂતોને અતિશય વરસાદ અને બજારમાં ઓછા ભાવને કારણે ભારે આર્થિક આંચકો લાગ્યો છે. અનેક ખેડૂતોના પાક ખેતરમાં જ સડી ગયા છે, જ્યારે કેટલાક ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ સુધી પાક પહોંચાડ્યા છતાં યોગ્ય વળતર ન મળતાં નિરાશા અનુભવી છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામના ખેડૂત મુકેશભાઈ બોઘાભાઈ ગજેરાએ આ વર્ષે 17 વીઘા જમીનમાં ચોમાસુ ડુંગળી વાવી હતી. સારા ઉત્પાદનની આશા વચ્ચે ભારે વરસાદ અને બજારમાં નબળા ભાવ મળતાં તેઓ મુશ્કેલ નિર્ણય લેતા બન્યા. પાક વેચાણથી નુકસાન વધશે એ સમજતા તેમણે આખા 17 વીઘાની ઊભી ડુંગળીમાં રોટાવેટર ફેરવી પાકનો નાશ કર્યો.

મુકેશભાઈ કહે છે, “આ વર્ષે 17 વીઘામાં ડુંગળી વાવેલી, પણ સતત વરસાદ અને નબળા બજાર ભાવને કારણે આખી મહેનત પાણીમાં ગઈ. ડુંગળી માર્કેટમાં લઈ જઈએ તો ભાવ એટલો ઓછો છે કે મજૂરીનો ખર્ચ પણ નિકળી શકાતો નથી. એક વીઘા દીઠ સરેરાશ 35 હજાર રૂપિયા જેટલું નુકસાન થયું છે.”
તેઓ આગળ કહે છે, “અમે પાકનું વેચાણ કરતા કરતા ફક્ત ખર્ચ જ કરતા રહ્યા. કેટલાક ખેતરોમાં પશુઓને ડુંગળી ચરવા માટે ખુલ્લા મૂકી દીધા હતા, કારણ કે એ રીતે ઓછામાં ઓછો ઉપયોગ થઈ જાય. પરંતુ અંતે હૃદય પર પથ્થર રાખીને આખી 17 વીઘાની ઊભી ડુંગળીનો નાશ કરવો પડ્યો. હવે નવી સિઝન માટે જમીન તૈયાર કરી રહ્યા છીએ.”

ઉગલવાણ ગામ સહિતના આસપાસના ખેડૂતો હાલ સમાન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ સતત વરસાદના કારણે પાકની ગુણવત્તા ઘટી છે અને બીજી તરફ બજારમાં મળતા ઓછા ભાવથી ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બની છે. આ પરિસ્થિતિએ ખેડૂત સમુદાયમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે, અને તેઓ સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે.

