મિડલ ઈસ્ટ યુદ્ધમાં કિમ જોંગની એન્ટ્રી? રશિયા અને ચીન બાદ હવે ઉત્તર કોરિયાએ પણ ઈરાનને આપ્યું સમર્થન
મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ધીમે ધીમે વૈશ્વિક સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું જણાય છે. ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે રશિયા અને ચીન બાદ હવે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પણ ઈરાનના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે.
ઈરાન પરના હુમલાને ગણાવ્યા ગેરકાયદે
ઉત્તર કોરિયાએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવી રહેલા હુમલાઓને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. ઉત્તર કોરિયાએ આ હુમલાઓને ‘ગેરકાયદેસર’ ગણાવ્યા છે અને તેને ઈરાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, પ્યોંગયાંગનું માનવું છે કે પોતાના સર્વોચ્ચ નેતા પસંદ કરવાનો અને દેશની સુરક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર ઈરાન પાસે છે અને ઉત્તર કોરિયા તેનું સન્માન કરે છે.
મિસાઈલ ટેકનોલોજી અને નવા હથિયારોની ચેતવણી
આ સમર્થન એવા સમયે આવ્યું છે જ્યારે કિમ જોંગ ઉને તાજેતરમાં જ નવી ક્રૂઝ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ પોતાની સેનાને અત્યાધુનિક સુપરસોનિક હથિયારો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે ઉત્તર કોરિયા અને ઈરાન લાંબા સમયથી એકબીજા સાથે મિસાઈલ ટેકનોલોજી શેર કરતા આવ્યા છે. જોકે, 2025 માં સંયુક્ત રાષ્ટ્ર (UN) એ બંને દેશો વચ્ચેના હથિયારના વેપાર પર કડક પ્રતિબંધો લાદ્યા હતા, તેમ છતાં તેમની નિકટતા પશ્ચિમી દેશો માટે ચિંતાનો વિષય બની છે.
બે ભાગમાં વહેંચાતી દુનિયા
મિડલ ઈસ્ટના આ યુદ્ધને કારણે હવે દુનિયા બે સ્પષ્ટ ભાગમાં વહેંચાતી જોવા મળી રહી છે. એક તરફ અમેરિકા અને ઈઝરાયેલ છે, તો બીજી તરફ ઈરાનને રશિયા, ચીન અને હવે ઉત્તર કોરિયા જેવા શક્તિશાળી દેશોનું સમર્થન મળી રહ્યું છે. ઉત્તર કોરિયાની આ એન્ટ્રીથી ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધમાં વધુ તેજી આવવાની અને ભૌગોલિક રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા છે.
વૈશ્વિક નિષ્ણાતો માને છે કે જો ઉત્તર કોરિયા સક્રિયપણે ઈરાનને હથિયારો અથવા ટેકનોલોજીની મદદ પૂરી પાડશે, તો આ યુદ્ધ લાંબુ ખેંચાઈ શકે છે અને તેની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી શકે છે.

