KL Rahul કેએલ રાહુલ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર 11 રન દૂર
KL Rahul ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલતી 5 ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાવાની છે. આ મેચમાં ભારતીય ટીમ માટે એક તરફ શ્રેણી બરાબર કરવાની તક હશે, તો બીજી તરફ કેએલ રાહુલ માટે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવાની સંભાવના છે. રાહુલ હાલ ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં 1000 રનથી માત્ર 11 રન દૂર છે.
જો તેઓ આ સિદ્ધિ હાંસલ કરે છે, તો તે સચિન તેંડુલકર (1575), રાહુલ દ્રવિડ (1376) અને સુનીલ ગાવસ્કર (1152) પછી ઇંગ્લેન્ડમાં 1000 ટેસ્ટ રન બનાવનાર માત્ર ચોથા ભારતીય બેટ્સમેન બની જશે. અત્યાર સુધી રાહુલે ઇંગ્લેન્ડમાં 12 ટેસ્ટ મેચોમાં 41.20ની સરેરાશથી 989 રન બનાવ્યા છે, જેમાં ચાર શતકો શામેલ છે.
વર્તમાન શ્રેણીમાં સતત મજબૂત પ્રદર્શન
2025ની આ ઈંગ્લેન્ડ શ્રેણીમાં કેએલ રાહુલે ખૂબ જ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી રમાયેલી ત્રણ ટેસ્ટ મેચોમાં તેણે 62.50ની સરેરાશથી કુલ 375 રન બનાવ્યા છે. શ્રેણીની શરૂઆત તેણે લીડ્સ ખાતે 107 રનની શાનદાર સદી સાથે કરી હતી. એજબેસ્ટનમાં બીજી ઇનિંગમાં 55 રન બનાવ્યા, જ્યારે લોર્ડ્સ ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 100 રન ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
જો કે બીજી ઇનિંગમાં તેઓ માત્ર 39 રન બનાવી શક્યા હતા, તેમ છતાં અત્યાર સુધી શ્રેણીમાં તેઓ ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
ભારત માટે પણ મહત્વની મેચ
ભારત હાલ શ્રેણીમાં 1-2થી પાછળ છે, જેથી ચોથી ટેસ્ટ ભારત માટે શ્રેણી બરાબર કરવાની છેલ્લી તક હશે. કેએલ રાહુલ પર ફક્ત ઇતિહાસ રચવાની નથી, પણ ટીમને મજબૂત શરૂઆત આપવા અને દબાણની પરિસ્થિતિમાં સ્થિરતાપૂર્વક રમવાની પણ જવાબદારી રહેશે.
ટીમ ઈન્ડિયા માટે આગળ વધવા અને શ્રેણી બચાવવાની આશા હવે રાહુલ જેવી અનુભવી હસ્તી પર વધારે છે.