કચ્છનો રણ મહોત્સવ સામાન્ય માણસની પહોંચથી દૂર, ટેન્ટ બુકિંગ પડ્યું ભારે
ગુજરાતના કચ્છનો રણ મહોત્સવ, જે દર વર્ષે વિશ્વભરના પ્રવાસીઓને તેની અનોખી સંસ્કૃતિ અને સૌંદર્યથી આકર્ષે છે, તે આ વર્ષે 23 ઑક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. જોકે, આ વખતે મહોત્સવમાં ભાગ લેવું સામાન્ય પ્રવાસીઓ માટે સરળ નહીં હોય, કેમ કે ટેન્ટમાં રોકાવાનાં ભાડાં એટલાં વધારી દેવાયાં છે કે ઘણા પ્રવાસીઓનું બજેટ ખોરવાઈ શકે છે.
ટેન્ટનું ભાડું થયું આસમાને – જાણો કેટલું?
પ્રવાસીઓ માટે રણના મધ્યમાં રોકાણ કરવાનું ભાડું ખૂબ જ ઊંચું રાખવામાં આવ્યું છે.
ટેન્ટનો પ્રકાર | 1 દિવસનું ભાડું (પ્રતિ વ્યક્તિ) | 2 દિવસનું ભાડું | 3 દિવસનું ભાડું |
પ્રીમિયમ ટેન્ટ પેકેજ | ₹8,900 | ₹17,000 | ₹24,000 |
સુપર પ્રીમિયમ ટેન્ટ પેકેજ | ₹9,900 | ₹19,000 | ₹27,500 |
AC કોટેજ | ₹7,900 | – | – |
નોન-AC કોટેજ | ₹5,400 | – | – |
પૂનમ માટે ‘રજવાડી’ રોકાણની કિંમત
પૂનમ (પૂર્ણિમા)ની રાત્રે રણમાં ચાંદની રાતનો અદ્ભુત નજારો માણવા માટે ખાસ ‘દરબારી’ અને ‘રજવાડી સ્યુટ’ ઉપલબ્ધ હોય છે, પરંતુ તેના ભાડાં જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે:
- દરબારી સ્યુટ (4 વ્યક્તિઓ માટે):
- 1 દિવસ – ₹70,000
- 2 દિવસ – ₹1,49,000
- 3 દિવસ – ₹2,10,000
- રજવાડી સ્યુટ:
- 1 દિવસ – ₹35,000
પ્રવાસીઓમાં ભારે નારાજગી
પ્રવાસન વિભાગ દ્વારા આટલા ઊંચા ભાડાં રાખવામાં આવતાં, ઘણા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. પ્રવાસીઓનું માનવું છે કે સરકારે એવા દર રાખવા જોઈએ જે સામાન્ય યાત્રીની પહોંચમાં હોય, નહિ કે એટલા મોંઘા કે સામાન્ય પ્રવાસી નજીક પણ ન જઈ શકે.
પ્રવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે કે, “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” જેવા દાવાઓ પછી હવે કચ્છ જોવા માટે લોકો વિચારે છે કે – “દેખું પણ કેમ, જો આટલો મોટો ખર્ચો હોય તો?”
માત્ર પૈસાદાર મહેમાનોનો મેળો?
રણ મહોત્સવ ભલે અદભુત હોય, પણ તેની ચમક હવે માત્ર વધારે ખર્ચ કરી શકનારા મહેમાનો (Paying Guests) સુધી જ મર્યાદિત રહી ગઈ હોય તેવી લાગણી ઘણા પ્રવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. જો તમે કચ્છ જવાનું પ્લાન કરી રહ્યા હો, તો તમારા બજેટનું સારી રીતે આયોજન કરવું જરૂરી છે.