Kutch મુંબઈમાં ભાષાકિય વિવાદ સામે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું, ‘’વસુધૈવ કુટુમ્બકમ’’
Kutch મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષાકીય વિવાદમાં હવે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ તેમના ટેકેદારોને મરાઠી બોલવાનો ઈન્કાર કરનાર કે મરાઠી સામે વિરોધ કરનારને જોઇ લેવાની ધમકી આપી છે તે વચ્ચે હવે મુંબઈમાં રાપર વિધાનસભાના ભાજપના ધારાસભ્યની કાર્યાલયનું બોર્ડ મરાઠીમાં રાખવા પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ચેતવણી આપી છે.
આ મામલે કચ્છ જિલ્લાના રાપર વિધાનસભામાંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમે એક ભારત શ્રેષ્ઠ ભારતમાં માની એ છીએ, અખંડ ભારત નિર્માણના સ્વપ્ન સાથે ચાલિયે છીએ .
અલગ અલગ પ્રાંતો, અલગ અલગ ભાષાઓ સાથેની વિવિધતા સાથે પણ આપણો દેશ એક છે અને શ્રેષ્ઠ છે તે આપણા દેશની સાચી ઓળખ છે. ભારતની સંસ્કૃતિ ‘’વસુધૈવ કુટુમ્બકમ’’ આખું વિશ્વ એક પરિવાર છે તેમાં માને છે .
વધુમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, મારી રાપર વિધાનસભા તેમજ કચ્છ ભરના દરેક સમાજ, દરેક ધર્મના હજારો લોકો મુંબઈ મહારાષ્ટ્ર મધ્યે રહી પોતાના કામ ધંધા રોજગાર ચલાવે છે ત્યારે તેઓને કચ્છના કોઈ પણ નાના મોટા કામ માટે ધક્કો ખાવો ન પડે તેવા આશય સાથે અમારા સમર્થકો દ્વારા અમારા દ્વારા નવી મુંબઈ ખાતે કાર્યાલય શરૂ કરેલ છે.
મનસે પાર્ટીના કાર્યકરો દ્વારા જે વાત કરવામાં આવી છે ત્યારે હું એટલું જણાવવા માગું છું કે, અમે દરેક ભાષાઓને સન્માન આપીએ છીએ. મુંબઈ ખાતેના કાર્યાલય પર ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ ભારતની અન્ય મુખ્ય તમામ ભાષાઓના બોર્ડ લગાડવાની સૂચના આપી છે જે અમારા કાર્યાલયથી એક ભારત, શ્રેષ્ઠ ભારતની જેમ દરેક ભાષાઓ આપણી જ છે, આપણા જ દેશની છે જે એકતાના દર્શન કરાવે છે.