CM Bhupendra Patel BSF visit કચ્છમાં સરહદના સંત્રીઓના ખબરઅંતર પૂછીને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
બી.એસ.એફ ખાવડા બીઓપી ખાતે ૮૫ બલૂચ વિજેતા બટાલિયનના જવાનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંવાદ
CM Bhupendra Patel BSF visit મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે આવતી કાલે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોચ્યા હતા.
મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ બી.એસ.એફ.ની ૮૫ બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું .
૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને ૨૧માં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યુ હતુ.
૮૫ બટાલિયને રેજિમેન્ટલ ઈન્સિગ્નિયા અને રાઈફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને ૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતાની ઓળખ અપાવી છે એટલું જ નહીં,ઓપરેશન સિંદુરમાં પણ ૮૫ બટાલિયન બી.એસ.એફ.એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
મુખ્યમંત્રીએ દેશની સીમાની સુરક્ષા કરતા બી.એસ.એફ.ના આ જવાનો સાથે સંવાદ ગોષ્ઠી પણ કરી હતી અને રણની વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદના સંત્રી તરીકે ખડે પગે રહેવાની ફરજ નિષ્ઠાની પ્રસંશા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેના અને સુરક્ષા બળોએ ઓપરેશન સિંદૂર ની જે સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રીશ્રીએ સૌ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ જવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેના ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમણે જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવ્યું હતું.
ગુજરાત ફ્રન્ટિયર બી.એસ.એફના આઈ.જી. અભિષેક પાઠકે સ્વાગત પ્રવચન કરીને ગુજરાત રાજ્યમાં સ્થિત વિવિધ બી.એસ.એફ. ચોકીઓ ખાતે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હંમેશા સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત ભુજમાં “બી.એસ.એફ રેઈઝીંગ ડે પરેડ’ની ઉજવણી કરાશે એમ તેઓએ જાહેરાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહજી જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, બી.એસ.એફ વેસ્ટર્ન કમાન્ડના એડીજીએસ.એસ.ખંધારે, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ,બી.એસ.એફ ભુજના ડીઆઇજીશ્રી અનંતકુમાર સિંઘ, ૮૫ બટાલિયનના કમાન્ડન્ટ શિવકુમાર સહિત જવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.