ગુજરાતમાં 5.96 લાખ મહિલાઓ બન્યા લખપતિ દીદી, ટાર્ગેટ 10 લાખનો
ગાંધીનગર, 7 ઓગસ્ટ 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ હેઠળ શરૂ કરાયેલી ‘લખપતિ દીદી’ યોજના હવે ગુજરાતમાં પણ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. 2023માં શરૂ થયેલી આ યોજના હેઠળ 2027 સુધીમાં દેશમાં 3 કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મિશન સાથે કામ ચાલી રહ્યું છે. ગુજરાત સરકારે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં પ્રભાવશાળી પ્રયત્નો કર્યા છે, જેના પરિણામે 5.96 લાખ મહિલાઓની આવક હવે દરવર્ષે ₹1 લાખને ઓળંગી ગઈ છે.
10.74 લાખ સંભવિત લાભાર્થીઓની ઓળખ
રાજ્યમાં તાલીમબદ્ધ કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સ (CRPs) દ્વારા અત્યાર સુધીમાં 10.74 લાખ મહિલાઓની ઓળખ કરવામાં આવી છે જે લેખપતિ દીદી બની શકે તેવી ક્ષમતા ધરાવે છે. તેમની આવક, ખર્ચ, સ્ત્રોતો અને વ્યવસાયની વિગતોને આધારે ડિજીટલ આજીવિકા રજીસ્ટર દ્વારા માહિતી એકત્રિત કરી તેના આધારે યોગ્ય તાલીમ, સાધનો, નાણાકીય સહાય અને માર્કેટ જોડાણ આપવામાં આવે છે.
યોજનાનું કાર્યપદ્ધતિ અને ફાયદા
આ યોજના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં સહાય કરે છે. મહિલા ખેડૂત, પશુપાલક, હસ્તકળા કારિગર અથવા સર્વિસ પ્રદાતા તરીકે પોતાનો વ્યવસાય શરૂ કરીને આવક વધારી શકે છે. આવકની ગણતરી કૃષિ, નોન-ફાર્મ પ્રવૃત્તિઓ, નોકરી, મજૂરી, સરકારી સહાય, કમિશન અને માનદ વેતનના આધાર પર થાય છે.
મહિલાઓને તાલીમ આપતી ટીમ મજબૂત બનાવી
યોજનાને સફળ બનાવતા ગુજરાત સરકારે 124 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરીને 10,000થી વધુ CRPsને તાલીમ આપી છે. આ ટીમોની મદદથી તાલુકા અને ગ્રામ્ય સ્તરે મહિલાઓ સુધી માહિતી અને માર્ગદર્શન પહોંચાડવામાં આવે છે.
સુરતની અંકિતાબેનનું સફળ ઉદાહરણ
સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંકિતાબેન પટેલે લખપતિ દીદી કાર્યક્રમથી નવો રસ્તો શોધ્યો. તેમણે 2024માં ડ્રોન પાયલટ તરીકે કામ શરૂ કર્યું અને માત્ર એક વર્ષમાં ₹2 લાખની આવક મેળવી. તેઓ કહે છે, “હવે હું આત્મનિર્ભર છું. પરિવાર અને સમાજ તરફથી મળતી માન્યતા મને આગળ વધવાની પ્રેરણા આપે છે.”
સારાંશરૂપે, લખપતિ દીદી યોજના એ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ મહિલા સશક્તિકરણની દિશામાં ભારતમાં બનતો એક આદર્શ મોડેલ છે. ગુજરાત 10 લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવીને દેશને સશક્ત બનાવવાના સપનામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.