સાવધાન! ₹2.80 કરોડની લક્ઝરી કાર Lexus LX માં ખામી, કંપનીએ ભારત સહિત વિશ્વભરમાંથી ગાડીઓ પરત ખેંચી
જો તમે લક્ઝરી ગાડીઓના શોખીન છો અથવા Lexus LX જેવી શાનદાર SUV ધરાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. ટોયોટા કિર્લોસ્કર મોટરની પ્રીમિયમ બ્રાન્ડ Lexus India એ પોતાની જાણીતી લક્ઝરી SUV, ‘Lexus LX’ ને રિકોલ (Recall) કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કારના ટ્રાન્સમિશનમાં કેટલીક ગંભીર ટેકનિકલ ખામીઓ જોવા મળી છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
કયા મોડલ પર છે જોખમ?
ભારતમાં આ રિકોલ ખાસ કરીને 6 માર્ચ 2025 થી 29 સપ્ટેમ્બર 2025 દરમિયાન બનેલી ગાડીઓ પર લાગુ થાય છે. અહેવાલો મુજબ, આ સમયગાળામાં બનેલી અંદાજે 117 યુનિટ્સમાં ખામી હોવાની શક્યતા છે. નોંધનીય છે કે આ સમસ્યા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે પણ Lexus LX ના મોડલ્સને પરત બોલાવવામાં આવ્યા છે. આ લક્ઝરી એસયુવીની ભારતમાં એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹2.80 કરોડથી શરૂ થાય છે.
શું છે મુખ્ય ખામી?
Lexus LX માં 10-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે, જે ગિયર બદલવા માટે ‘લિનિયર સોલેનોઇડ’નો ઉપયોગ કરે છે. કંપનીના નિષ્ણાતોના મતે:
- સોલેનોઇડની સમસ્યા: ડ્રાઇવિંગ દરમિયાન જો સોલેનોઇડમાં ખામી સર્જાય, તો સોફ્ટવેરની ક્ષતિને કારણે ટ્રાન્સમિશન કંટ્રોલ યુનિટ અને એન્જિન ECU વચ્ચે યોગ્ય માહિતીની આપ-લે થતી નથી.
- એન્જિન પાવરમાં ઘટાડો: જો આ સમસ્યાનું નિરાકરણ ન કરવામાં આવે, તો હાઈ સ્પીડ પર ગાડી ચલાવતી વખતે એન્જિનનો પાવર અચાનક ઘટી શકે છે.
- ઓઈલ લીકેજનું જોખમ: ટ્રાન્સમિશન ઓવર-રેવિંગને કારણે ગિયરબોક્સને નુકસાન થઈ શકે છે, જેનાથી ટ્રાન્સમિશન ફ્લુઈડ (તેલ) લીક થવાની પણ શક્યતા રહેલી છે.
કંપની કેવી રીતે કરશે સુધારો?
લેક્સસ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે આ સમસ્યાને સોફ્ટવેર અપડેટ દ્વારા સરળતાથી ઠીક કરી શકાય તેમ છે. કંપની તમામ અસરગ્રસ્ત વાહનોના કંટ્રોલ યુનિટ ફર્મવેરને અપડેટ કરશે. સૌથી રાહતની વાત એ છે કે, કંપની આ ખામીને મફતમાં સુધારી આપશે. જે ગ્રાહકો પાસે આ સમયગાળા દરમિયાન ખરીદેલી ગાડી છે, તેમનો કંપની સામેથી સંપર્ક કરશે.
Lexus LX 500d ના સ્પેસિફિકેશન્સ
ભારતીય બજારમાં હાલમાં Lexus LX 500d વેરિઅન્ટ વેચાય છે. તેમાં 3.3-લિટરનું ટ્વિન-ટર્બોચાર્જ્ડ V6 એન્જિન છે, જે 304 હોર્સપાવર અને 700 Nm ટોર્ક જનરેટ કરે છે. આ ગાડીમાં 4-વ્હીલ એક્ટિવ હાઇટ કંટ્રોલ અને એડેપ્ટિવ વેરિયેબલ સસ્પેન્શન જેવા અત્યાધુનિક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

