Loksabha Election 2024: મધ્યપ્રદેશના ઈન્દોરમાં સુરતવાળી થઈ છે. ઈન્દોરથી અક્ષય કાંતિ બામે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું નામાંકન પાછું ખેંચી લીધું છે. અક્ષય બામ ઈન્દોરના જિલ્લા ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચ્યા અને રિટર્નિંગ ઓફિસરને મળ્યા અને નામાંકન પાછું લીધું. જ્યારે તેઓ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા ગયા ત્યારે તેમની સાથે કૈલાશ વિજયવર્ગીયના નજીકના સાથી અને ધારાસભ્ય રમેશ મેન્ડોલા હાજર હતા એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપનાં વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ માહિતી આપી છે.
તમને જણાવી દઈએ કે મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.
જણાવવામાં આવી રહ્યું છે કે મંત્રી વિજયવર્ગીયએ હાઈકમાન્ડને વિશ્વાસમાં લઈને એક હોટલમાં આયોજન કર્યું હતું. અક્ષયે નોમિનેશન પાછું ખેંચવા પર અપ્રિય ઘટનાની આશંકા વ્યક્ત કરી હતી. કહ્યું- કોંગ્રેસીઓ હંગામો મચાવશે. આ પછી ભાજપનાં ધારાસભ્ય રમેશ મેંડોલા પણ પ્લાનમાં સામેલ થયા. અક્ષયને પણ મેન્ડોલા સાથે ફોર્મ પરત લેવા મોકલવામાં આવ્યો હતો, વિજયવર્ગીય પોતે બહાર જ રહ્યા હતા. હાલ અક્ષય કાંતિ બામના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ગુજરાતમાં સુરતની બેઠક પછી હવે ઈન્દોરની બેઠક પર પણ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે અને ભાજપના ઓપરેશન લોટસની ચર્ચા વધુ વેગીલી બની છે. સુરત લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્ થયા બાદ ભાજપે સમગ્ર દેશમાં પહેલી વાર લોકસભામાં જીતનું ખાતું ખોલાવ્યું છે.