- પ્રથમ વખત મતદાન કરનાર બહેરા-મુંગા દિવ્યાંગ યુવા મતદારોને Sign Language માં મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરાયા.
Dang: વાંસદા વિધાનસભા ૧૭૭ માં નોંધાયેલ દિવ્યાંગ મતદારો માટે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત “દિવ્યાંગજન મતદાર જાગૃતિ અભિયાન-૨૦૨૪” હેઠળ મદદનીશ પીડબલ્યુડી નોડલ ઓફિસર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ તેમજ ચીફ ઓફિસર એલ.બી.પટેલ,નાયબ મમલતદાર-વાંસદા દ્વારા જલારામ હોલ વાંસદા ખાતે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વધુમાં વધુ મતદાન કરવા માટે દિવ્યાંગ મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં ૯૦ થી વધુ દિવ્યાંગો હાજર રહ્યા હતા.
અત્રે નોંધનિય છે કે, દિવ્યાંગ મતદારો જે ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો તેમજ ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા વૃધ્ધજનોની વૃધ્ધાશ્રમ અને દિવ્યાંગ શાળાની મુલાકત લઈ મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. દિવ્યાંગ અંધ,અસ્થિવિષયક તેમજ વૃધ્ધ અશક્ત મતદારો જેઓ સરળતાથી ચાલી શકે તેમ ન હોય તેઓને મતદાન કેંદ્ર પર મતદાન કુટિર સુધી લઈ જવા માટે નિયુક્ત કરવામાં આવનાર સહાયકોને મતદાન દિનના રોજ તેમને કરવાના કાર્યની તાલીમ પણ આપવામાં આવી છે.
બહેરા-મુંગા દિવ્યાંગ યુવા મતદાતાઓ જેઓ પ્રથમ વખત લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ મા મતદાન કરવા જઈ રહ્યા છે તેમને મિતલબેન નાયક દ્વારા Sign Language માં મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.