Lok sabha Election 2024 ની જાહેરાત થતાંની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. ચૂંટણીનું આ મહાપર્વ મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઓકના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. લોકશાહીના આ મહાપર્વમાં મતદારો પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉત્સાહભેર ઉપયોગ કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્યારે મતદારોની વાત કરીએ તો પાંચ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૯ની સરખામણીએ વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પુરૂષોની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્યું છે. જેમાં વાંસદા અને ધરમપુરની બે બેઠક પર તો પુરૂષ કરતા મહિલા મતદારો આગળ નીકળી ગઈ છે. જે મહિલા મતદારોના પોતાના બહુમૂલ્ય મતાધિકાર અંગેની જાગૃતિના દર્શન કરાવે છે.
- અવસર લોકશાહીનો, અવસર લોકશાહીના મહાપર્વનો, અવસર દેશના ગર્વનો
- લોકશાહીના મહાપર્વમાં પોતાના બહુમૂલ્ય મતાધિકાર વિશે મહિલા મતદારોમાં જાગૃતિનું પ્રમાણ વધ્યું
૨૬- વલસાડ લોકસભાની ચૂંટણી આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજ યોજાનાર છે ત્યારે વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઘણા લાંબા સમયથી મતદારોમાં જાગૃત્તિ વધે અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેની ફળશ્રુતિ રૂપે વલસાડ અને ડાંગ જિલ્લાના વિધાનસભા મત વિસ્તારમાં અનસૂચિત જનજાતિની બે બેઠક પર મહિલાઓ પુરૂષ મતદારો કરતા આગળ નીકળી ગઈ છે. વર્ષ ૨૦૧૯માં ૧૭૭ વાંસદા(એસટી) બેઠક પર ૧૪૦૩૨૪ પુરૂષ અને ૧૪૨૨૭૫ મહિલા મતદારો નોંધાતા ૧૯૫૧ મહિલાઓ વધુ નોંધાઈ હતી. જ્યારે વર્ષ ૨૦૨૪ની મતદાર યાદીમાં વાંસદા બેઠક પર ૧૪૭૪૬૬ પુરૂષ અને ૧૫૩૭૯૫ મહિલા મતદારો નોંધાતા ૬૩૨૯ મહિલા મતદારો વધુ નોંધાયા છે. વાંસદા બેઠક પર મહિલાઓમાં અંદાજિત ત્રણ ગણો વધારો પાંચ વર્ષ દરમિયાન નોંધાયો છે.
- પુરૂષ મતદારોની સામે મહિલા મતદારોમાં ધરમપુર બેઠક પર છ ગણો તો વાંસદા બેઠક પર ત્રણ ગણો વધારો નોંધાયો
વર્ષ ૨૦૧૯માં પુરૂષ – મહિલા મતદારો વચ્ચે ૩૫૨૦૮નું અંતર હતુ જે વર્ષ ૨૦૨૪માં ઘટીને ૩૦૫૬૯ થયું
આ જ રીતે વલસાડ જિલ્લાની ૧૭૮ ધરમપુર (એસટી) બેઠક પર વર્ષ ૨૦૧૯માં ૧૧૭૩૩૫ પુરૂષ અને ૧૧૭૧૨૮ મહિલા મતદારો નોંધાતા ૨૦૭ મહિલા મતદારો ઓછા હતા પરંતુ અત્યારે વર્ષ ૨૦૨૪ની મતદાર યાદીમાં ધરમપુર બેઠક પર મહિલાઓ આગળ નીકળી ગઈ છે. હાલ વર્ષ ૨૦૨૪માં આ બેઠક પર ૧૨૬૫૦૬ પુરૂષ મતદારો અને ૧૨૭૮૯૮ મહિલા મતદારો નોંધાતા મહિલા મતદારો ૧૩૯૨ વધુ નોંધાઈ છે, જેથી આ બેઠક પર અંદાજિત પાંચ વર્ષમાં પાંચ ગણો વધારો નોંધાયો છે. આ સિવાય ૧૭૩ ડાંગ (એસટી), ૧૭૯ વલસાડ, ૧૮૦ પારડી, ૧૮૧ કપરાડા (એસટી) અને ૧૮૨ ઉમરગામ (એસટી) બેઠક પર પુરૂષોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સમયે આ સાત વિધાનસભા બેઠક પર ૮૫૩૦૩૧ પુરૂષ મતદારોની સામે ૮૧૭૮૨૩ મહિલા મતદારો નોંધાતા બંને વચ્ચે ૩૫૨૦૮નું અંતર રહ્યું હતું. જે વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં આ અંતર ઘટ્યુ છે. હાલમાં ૯૩૯૩૭૯ પુરૂષ મતદારો અને ૯૦૮૮૧૦ મહિલા મતદારો નોંધાતા ૩૦૫૬૯નું અંતર જોવા મળી રહ્યું છે. આમ, એકંદરે જોવા જઈએ તો ૨૬- વલસાડ લોકસભા સીટ પર મહિલા મતદારોમાં મતદાનનું મહત્વ અને પોતાના અધિકાર વિશે જાગૃતિ વધી રહી છે.