Valsad : લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના કાર્યકરો, સમર્થકો ચુટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરના ઉપયોગ મોટા પ્રમાણમાં કરે છે. જે ફક્ત નિયત મંચ કે સભા સ્થળ ઉપરાંત ચુંટણી પ્રચાર માટે ફરતા વાહનો ઉપર પણ લગાવી શહેર, મહોલ્લા, ગામો, ગલીઓમાં ફેરવવામાં આવે છે. જેના કારણે અવાજનું પ્રદુષણ, ઘોંઘાટના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓને ત્રાસરૂપ થાય છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ને અનુલક્ષીને ભારતના નિર્વાચન આયોગે ચૂંટણીમા લાઉડ સ્પીકરના વ્યાપક ઉપયોગ ઉપર નિયંત્રણો રાખવા જરૂરી હોવાનું જણાવી લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આદેશો કર્યા છે.
જે આદેશોને અનુસરીને વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓકે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ- ૩૩(૧) આર (૩) થી મળેલી સત્તાની રૂએ સમગ્ર વલસાડ જિલ્લાના વિસ્તારમા કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવાર કે તેના કાર્યકરો કે સમર્થકોએ, ચુંટણી પ્રચારના કામે યોજાતી સભા/સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો સવારના ૬-૦૦ કલાક પહેલા અને રાત્રિના ૧૦-૦૦ કલાક પછી ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
ચુંટણી પ્રચારના કામે વાહન ઉપરના સ્ટેટેટીક અથવા માઉન્ટેડ/લગાવીને ફરતા લાઉડ સ્પીકરનો ઉપયોગ, સક્ષમ અધિકારીએ પરવાનગી આપી હોય તે સિવાય કોઈપણ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ, સક્ષમ અધિકારીએ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આપેલ પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ કરેલ ન હોય તો પણ લાઉડ સ્પીકરના ઉપયોગ તેમજ કોઈપણ મતદાન વિસ્તારમાં મતદાન પૂર્ણ થયાના અગાઉના ૪૮ કલાકની મુદત દરમિયાન પ્રચાર પર પ્રતિબંધ હોવાથી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી.
હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ વલસાડ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.