Valsad: ભા૨તીય ચુંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ વિગતવાર કાર્યક્રમ તા.૧૬-૦૩-૨૦૨૪ના રોજથી જાહેર ક૨વામાં આવ્યો છે. જે મુજબ વલસાડ જિલ્લામાં મતદાન તા.૦૭-૦૫-૨૦૨૪ ના રોજ થનાર છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રટેશ્રી આયુષ ઓક એ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ – ૧૪૪ હેઠળ મળેલી સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડ્યુ છે.
ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તેમના કાર્યકરો, સમર્થકો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે તમામ પ્રકારના સાધનો મિલકતો સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરે છે. આવા ચૂંટણી પ્રચાર વખતે ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે મંદિરો, મસ્જિદો, ચર્ચ અને ગુરૂદ્વારા અથવા કોઈ પણ પ્રકારના ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવે તો કોમી સંવાદિતા ખોરવાવાની અને તંગદિલી ઉભી થવાની શક્યતા રહે છે જેની સીધી અસર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પડવાની શક્યતા રહે છે. જેથી ભારતના ચૂંટણી આયોગે ધી રીલીજીયસ ઈન્સ્ટીટ્યુસન્સ (પ્રિવેન્શન ઓફ મીસ યુઝ) એક્ટ ૧૯૮૮ ની જોગવાઈઓને ટાંકીને કરેલા આદેશ મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓક એ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વલસાડ જિલ્લામાં સમગ્ર વિસ્તારોમાં આવેલા મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇ પણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણીલક્ષી ભાષણો, કે ચૂંટણીનાં કોઈપણ પ્રકારનાં હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં એવુ જાહેરનામામાં જણાવ્યું છે.
આ હુકમ તા. ૧૪-૦૫-૨૦૨૪ સુધી વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે.