Valsad: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે વલસાડ જિલ્લાના દરેક તાલુકાઓમાં વિવિધ સ્થળોએ મતદાતાઓને વધુ મતદાન માટે જાગૃત કરવા માટે મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ મેનેજમેન્ટ કમિટીના નોડલ અધિકારીશ્રી –વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને ટીમ દ્વારા જીઆઈડીસીમાં વિવિધ સ્થળોએ, ગ્રામ પંચાયતો અને શાળાઓમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે તા. ૧૭ એપ્રિલને બુધવારના રોજ કપરાડા તાલુકાના કાકડકોપર ગામમાં આવેલી વૉલપ્લાસ્ટ પ્રોડક્ટ પ્રા. લિ. કંપનીમાં કામદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
ઉમરગામના ટેંભી ગામ ખાતે મતદાર જાગૃતિ રેલીનું જ્યારે સરકારી વિજ્ઞાન કોલેજ ભીલાડ, દહેરી માંગેલવાડ, સરીગામ માહ્યાવંશી ફળિયા, હિન્દુસ્તાન પેનસીલ કંપની, એવરેસ્ટ ફૂડ્સ કંપની, મરોલી બજાર વિસ્તાર, અપાર ઈન્ડસ્ટ્રીઝ, બાદશાહ મસાલા કંપની, ગિરનાર ફૂડ્સ એન્ડ બેવરેજિસ, સીટીઝન અમ્બરેલા કંપની, ચંદન સ્ટીલ કંપની ખાતે, વલસાડ તાલુકાના કચીગામ ગ્રામ પંચાયત ખાતે અને ધરમપુર તાલુકાના ખારવેલ ખાતે આવેલી ગૌલોકા ડેરી પ્રોડક્ટ પ્રા. લિ. ખાતે મતદાર જાગૃતિ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે જ તેઓને મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહી તે ચેક કરવા, મતદાન કઈ તારીખે અને કયાં મતદાન કરવા જવાનું છે, બુથનું નામ અને નંબરથી માહિતગાર હોવા જોઈએ અને તા. ૭ મે ના રોજ મતદાન કરવા માટે રજા મળશે તે બાબતે માહિતી આપવામાં આવી હતી. કામદારોને ‘‘હું અવશ્ય મતદાન કરીશ’’ એ અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં ‘દરેક મત છે મહત્વનો’, ‘નથિંગ લાઇક વોટિંગ, વોટ ફોર સ્યોર’ના બેનરો અને રંગોળીઓ દ્વારા મતદાર જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ કાર્યક્રમોની સાથે સાથે ઉમરગામ નગરપાલિકા વિસ્તારના બીએલઓ અને RWSના હોદ્દેદારો સાથે ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે અગત્યના પાંચ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.