અંજારમાં થયેલ હત્યા પાછળ પ્રેમપ્રકરણ ખુલ્યું..! પ્રેમી સાથે મળી પત્નીએ જ કરાવી હત્યા
અંજાર તાલુકાના ભીમાસર ગામ નજીક થયેલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાનું બહાર આવ્યું છે, જેમાં મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા નીપજાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની અંજાર પોલીસે ધરપકડ કરી લીધી છે.
અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ
મૃતક અરુણકુમાર જે હોટેલમાં કામ કરતો હતો તે જ હોટેલના માલિક હારાધન ગરાઈને અરુણની પત્ની રેખાબેન સાથે પ્રેમ સંબંધ હતો. અરુણને આ સંબંધની જાણ થતા જ રેખાએ તેના પતિને રસ્તા પરથી હટાવવા માટે પ્રેમી સાથે મળી કાવતરું રચ્યું.
હારાધને તેના મિત્ર આનંદ બારોટને આ કામની સોપારી આપી હતી અને કામ પૂરું થયા બાદ ૫ થી ૬ લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. આનંદે આ ગુનાને અંજામ આપવા માટે તેના મિત્રો ગોપાલ બારોટ અને દિલીપ ભટ્ટીને સાથે લીધા હતા. આ ત્રણેય મિત્રોએ અરુણનો એકાંતમાં લાભ લઈ તેની હત્યા કરી નાખી હતી.
અંજાર પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા
રેખાબેન અરૂણભાઈ શાહુ, હારાધન ફોનીભુશન ગરાઈ, આનંદ દામજીભાઈ બારોટ, ગોપાલ રામજીભાઈ બારોટ, દિલીપ નાથાભાઈ ભટ્ટીની ધરપકડ કરી છે અને પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી છરી પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.