ચોમાસાની ઋતુમાં માખીજનિત રોગનો ભય વધે છે
હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે, જે દરમિયાન પશુઓમાં વિભિન્ન રોગો જોવા મળે છે. આમાંથી સૌથી વધુ ગંભીર છે વલાનો રોગ …જેનો ફેલાવો માખીઓ અને અન્ય કીટકો દ્વારા થાય છે. આ રોગ ગાય-ભેંસ જેવા દૂધાળુ પશુઓમાં વધુ જોવા મળે છે.
વલાનો રોગ એટલે શું અને તે કેમ ફેલાય છે?
પશુ ચિકિત્સા અધિકારી ડૉ. કનુભાઈ બલદાણીયાના જણાવ્યા મુજબ, વલાનો રોગ એક વિષાણુજન્ય રોગ છે, જેની અસર તાત્કાલિક દેખાય છે. મુખ્યત્વે માખીઓ દ્વારા ફેલાતો આ રોગ ત્રણથી ચાર દિવસ રહે છે. તેના કારણે પશુના શરીરમાં તાવ, લાળ વહેવું, પગોમાં જકડાશ અને લંગડાઈ જેવા લક્ષણો ઉભા થાય છે.
આ લક્ષણો જોવા મળે તો તરત સારવાર કરાવો
જો કોઈ પશુને નીચે આપેલા લક્ષણો દેખાય તો તરત પશુ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે:
તાવ આવવો
મોઢામાંથી સતત લાળ ટપકવી
પગોમાં લંગડાઈ
શરીરમાં ધ્રુજારી
ખોરાકની ઈચ્છામાં ઘટાડો
દૂધના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો
બીમાર પશુને આરામ આપવો
ડૉ. બલદાણીયાએ વધુમાં જણાવ્યું કે, રોગગ્રસ્ત પશુને તાત્કાલિક આરામ આપવો જોઈએ અને કોઈપણ ખેતીકામ કે ભારવાહનના કામમાં લગાડવો નહીં. આથી બળદ જેવા પશુઓને આરામ આપવો ખૂબ જરૂરી છે જેથી તેઓ પુનઃ તંદુરસ્ત થઈ શકે.
સારવાર અને રોકથામ માટે શું કરવું જોઈએ?
રોગના પ્રથમ લક્ષણો પર ડોક્ટરની તાત્કાલિક મુલાકાત લો
પશુને આરામ આપો
રોગના પગલે દૂધ ઉત્પાદન ઘટે છે, એટલે નુકશાન અટકાવવા સમયસર પગલાં લો
શેડ અને પશુ રહેઠાણને સ્વ્ચ્છ રાખો
માખીઓથી બચાવ માટે સ્પ્રે અથવા દવા છાંટો
જાગૃતિથી બચી શકાય છે
ચોમાસામાં થનારા આ પ્રકારના રોગોથી બચવા માટે સમયસર સારવાર, જાગૃતિ અને સારી દેખભાળ અનિવાર્ય છે. સમય પર પગલાં ભરવામાં આવે તો પશુઓને આરોગ્યમય રાખી શકાય છે અને પશુપાલકોનું નાણાકીય નુકશાન પણ અટકાવી શકાય છે.