આમ તો અભ્યાસ બ્રિટીશરો પર થયો છે, પરંતુ મુંબઇગરાઓએ પણ વાતને ગંભીરતાથી લેવી પડે એમ છે. ઓફીસ આવવા-જવા માટે લાંબા કલાકોનું કમ્યુટિંગ માત્ર સમયનો જ વ્યય કરે છે એવું નથી, પરંતુ એ માનસિક સ્વાસ્થ્યને પણ જોખમમાં મુકે છે.
અભ્યાસુઓએ ૩૪,૦૦૦ એડલ્ટસનો અભ્યાસ કરીને નોંધ્યું હતું કે જે લોકોની ઓફીસ ઘરથી રોજ એક કલાકના અંતરે આવેલી હોય છે એવા ૩૩ ટકા લોકો ડીપ્રેસ્ડ હતાં. ટ્રેન, બસ કે અન્ય પબ્લીક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલિંગ કરવાનું હોય કે પોતાની કારમાં, કમ્યુટિંગના કલાકો વધવાથી તમામ લોકોના માનસીક સ્વાસ્થ્ય પર એક સરખી અસર થાય છે. લાંબા ટ્રાવેલિંગને કારણે જે લોકોને સાત કલાકની પૂરતી ઊંઘ નથી મળતી એવા લોકોમાં માનસીક અસ્વસ્થતાની સંભાવના ૪૬ ટકા જેટલી વધી જાય છે. અંગત સ્વાસ્થ્ય ઉપરાંત રિસર્ચરોએ એ પણ નોંધ્યું છે કે ઓફીસથી જસ્ટ ૩૦ જ મિનીટમાં જઇને પાછા આવી શકાય એવા અંતરે રહેતા લોકો ઓફીસમાં વધુ કલાકો અને વધુ દિવસો કામ કરે છે.