Health Tips રાત્રે સૂતા પહેલા ફોનનો ઉપયોગ શું ખરેખર જોખમભર્યો છે? જાણો વિજ્ઞાન શું કહે છે
Health Tips આજના ડિજિટલ યુગમાં, સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. દિવસની દોડધામ પછી ઘણા લોકો માટે રાત્રે ફોન પર સમય વિતાવવો એક પ્રકારનો આરામ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલાં ફોનનો ઉપયોગ તમારી ઊંઘ માટે ખૂબ હાનિકારક હોઈ શકે છે?
ઊંઘને લગતી ગંભીર સમસ્યાઓ
હેલ્થ લાઇન અને નોર્વેના નવા અભ્યાસ મુજબ, રાત્રે ફક્ત 1 કલાક ફોન વાપરવાથી ઊંઘમાં લગભગ 24 મિનિટનો ઘટાડો થઈ શકે છે. જો તમે સતત રાત્રે ફોન વાપરતા હો, તો તમને અનિદ્રા જેવી ઊંઘની સમસ્યા થઈ શકે છે, જે 59 ટકા વધે છે. તેનાથી તમારા શરીરની સર્કેડિયન લય (જૈવિક ઘડિયાળ) બગડી શકે છે, જે તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હૃદય અને માનસિક સ્વાસ્થ્ય પર અસર
ફોનનો અતિરેક ઉપયોગ માત્ર ઊંઘ માટે નહીં પરંતુ તમારા હૃદયના આરોગ્ય માટે પણ જોખમી બની શકે છે. રાત્રે સ્ક્રીન સામે ખાસ કરીને બ્લૂ લાઇટના સંપર્કમાં આવવું, તમારા મગજને “જાગૃત” રાખે છે અને મેલેટોનિનના સ્તરને ઘટાડે છે – જે ઊંઘ લાવનાર હોર્મોન છે. પરિણામે, ચિંતા, ડિપ્રેશન, અને તણાવ જેવી સમસ્યાઓ વધી શકે છે.
શું છે યોગ્ય ઉપાય?
નિષ્ણાતો સૂચવે છે કે સૂતા પહેલા ઓછામાં ઓછા ૩૦ મિનિટથી ૧ કલાક પહેલા ફોન, લેપટોપ કે ટેબ્લેટ જેવા સ્ક્રીન ડિવાઇસોથી દૂર રહેવું જોઈએ. આ સમયગાળા દરમિયાન શાંતિપૂર્વકનું વાંચન, અથવા મ્યુઝિક સાંભળવું ઊંઘમાં સહાયરૂપ થઈ શકે છે.
જ્યાં સ્માર્ટફોન આપણું જીવન સરળ બનાવી રહ્યા છે, ત્યાં તેનું ઓવરયૂઝ ખાસ કરીને રાત્રિના સમયે, આરોગ્ય પર ભારે અસર પાડી શકે છે. જો તમારે લાંગટર્મ સ્વાસ્થ્ય જાળવવું છે, તો આજે જ સૂતા પહેલા ફોનને “ગૂડ નાઈટ” કહેવાની ટેવ બનાવો!