સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષ છે. કડિયાકામ કરું છું અને કેટલાક વર્કરોની સાથે એક રૂમમાં રહું છું. પત્ની ગામમાં રહે છે એટલે જાતીય પ્રવૃત્તિ માત્ર હસ્તમૈથુનથી જ સંતોષવી પડે છે. બહાર કામ કરતા હોઈએ ત્યારે બાથરૂમ-ટૉઇલેટ નજીકમાં ન હોય તો લાંબો સમય આવેગો રોકી રાખવા પડે છે. જ્યારે પત્ની સાથે સમાગમ કરતો હોઉં ત્યારે વાંધો નથી આવતો, પણ અહીં બધું બંધ હોવાથી પ્રાઇવેટ પાર્ટમાંથી યુરિનની સાથે એમ જ ચીકણું પ્રવાહી વહી જાય છે. ખાસ કરીને ટૉઇલેટમાં બેઠો હોઉં ત્યારે જ વીર્ય વહે છે. એ વખતે મને કોઈ ઉત્તેજના પણ નથી હોતી અને કામુક વિચારો પણ નથી હોતા. આ પ્રવાહી જોઈને હવે તો મને પેટ પણ બરાબર સાફ નથી થતું. જાણે શક્તિ ઘટી ગઈ હોય એવું લાગ્યા કરે છે.
જવાબ : તમે ઇન્ડિયન ટૉઇલેટ વાપરતા હશો એવું ધારી લઉં છું. સૌથી પહેલાં તો એ કહું કે તમને કોઈ શારીરિક સમસ્યા નથી. પેશાબ સાથે નીકળતું પ્રવાહી વીર્ય છે એમ માનવાને કારણે માનસિક સમસ્યા પેદા થઈ છે. મળત્યાગ દરમ્યાન ઇન્દ્રિયના માર્ગેથી સફેદ રંગનાં ચીકણા અને ઘટ્ટ પ્રવાહીનાં બે-ચાર ટીપાં નીકળી જાય છે એ ધાતુ કે વીર્ય નથી, પરંતુ યુરેથ્રલ ગ્રંથિમાંથી નીકળતો એક સ્રાવ છે. જેમ આપણા શરીરના વિવિધ અવયવોમાં સ્નિગ્ધતા જાળવવા માટે આંસુ, લીંટ, લાળ જેવાં લિક્વિડ ઉત્પન્ન થાય છે એ જ રીતે આ ગ્રંથિઓની સ્નિગ્ધતા માટે પણ એની અંદર સફેદ રંગનું પ્રવાહી એની મેળે ઉત્પન્ન થાય છે.
ક્યારેક કબજિયાતને કારણે મળત્યાગ દરમ્યાન જોર કરવું પડે તો એનાથી પ્રોસ્ટેટ અને મૂત્રનલિકાઓ પર પ્રેશર આવે છે. આ પ્રેશરને કારણે એમાંથી સ્રવતું અને એકત્રિત થયેલું સફેદ ચીકણું પ્રવાહી પેશાબની સાથે ઇન્દ્રિય વાટે નીકળી જાય છે. વીર્યનો રંગ અને યુરેથ્રલ ગ્લૅન્ડમાંથી નીકળતા આ પ્રવાહીનો રંગ પણ સરખો છે એટલે એવું ધારી લેવામાં આવે છે કે આ પ્રવાહી એ જ વીર્ય છે. ઇન્દ્રિયનું મેકૅનિઝમ એવું છે જેમાં યુરિન અને વીર્ય બન્ને એકસાથે નીકળી નથી શકતાં.