Maharashtra: 2041 સુધીમાં મુંબઈમાં દૈનિક પાણીની માંગ આટલી વધી જશે, જાણો BMCએ શું પ્લાન બનાવ્યો છે?
Maharashtra: BMCએ જણાવ્યું કે મુંબઈમાં પીવાના પાણીની દૈનિક માંગ 2041 સુધીમાં દોઢ ગણી વધવાની ધારણા છે. જે 4,463 મિલિયન લીટરથી વધીને 6,900 મિલિયન લીટર થશે.
Maharashtra: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2041 સુધીમાં પીવાના પાણીની દૈનિક માંગમાં 1.5 ગણો વધારો થવાની ધારણા છે. જે હાલના 4,463 મિલિયન લીટરથી વધીને 6,900 મિલિયન લીટર થશે. અધિકારીઓનું કહેવું છે કે હાલમાં પાણીની માંગ પૂરી થઈ રહી નથી.
હાલમાં સાત તળાવોમાંથી દરરોજ 3,950 મિલિયન લીટર (MLD) પાણી આવી રહ્યું છે. જેમાં 48% ભાતસા તળાવમાંથી, 16% અપર વૈતરણા તળાવમાંથી, 12% મધ્ય વૈતરણા તળાવમાંથી, 11% મોડક સાગર તળાવમાંથી, 10% તાનસા તળાવમાંથી અને બાકીનું સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થિત તુલસી અને વિહાર તળાવમાંથી છે.
BMC ત્રણ નવા ડેમ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે
જેમાં ગરગાઈ ડેમ 440 એમએલડી, પીંજલ ડેમ 865 એમએલડી અને દમણગંગા ડેમ 1,586 એમએલડી પાણી પુરો પાડશે. આ સિવાય BMCએ પાણીની અછતને પહોંચી વળવા માટે મનોરી ગામમાં 200 MLD ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવાની યોજના બનાવી છે, જેને વધારીને 400 MLD કરી શકાય છે.
જો કે આ યોજનાનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, “આ પ્રોજેક્ટ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે જો ચોમાસા દરમિયાન સારો વરસાદ ન થાય તો શહેરવાસીઓ પાસે પાણી માટે અન્ય કોઈ વિકલ્પ હોય.” BMCના હાઈડ્રોલિક્સ વિભાગના ચીફ એન્જિનિયર પુરુષોત્તમ માલાવડેએ જણાવ્યું હતું કે, “2041 સુધીમાં મુંબઈની વસ્તી 1.7 કરોડ સુધી પહોંચશે તેના આધારે 6900 MLD પાણીની માંગનો અંદાજ લગાવવામાં આવ્યો છે.”
“તેથી, BMC પહેલેથી જ પાણીની વધેલી જરૂરિયાતો માટે તૈયારી કરી રહ્યું છે. નાગરિક સંસ્થા મધ્ય વૈતરણા તળાવ અને મોડક સાગર તળાવો વચ્ચે એક નાનો ડેમ બનાવીને વધારાનું પાણી વાળવાની પણ યોજના બનાવી રહી છે.”