Monsoon Update: ગુજરાતમાં 14-15 જુનની આસપાસ ચોમાસાની શરુઆત થવાની સંભાવના
Monsoon Update આ વર્ષે ચોમાસુ વહેલું બેસી જશે તેવી અગાહીઓની વચ્ચે કેરળથી નીકળેલું ચોમાસુ મુંબઈ તો પહોંચી ગયું પરંતુ હાલમાં અન્ય કોઈ સિસ્ટમ ન સર્જાતા તે ગુજરાત તરફ આગળ વધી શક્યું નથી અને તેના કારણે ગુજરાતમા 14 – 15 જુનની આસપાસ જ ચોમાસાની શરૂઆત થાય તેવી આગાહી કરવામાં આવી છે.
કેરળ અને મુંબઇ સુધી ચોમાસું વહેલું આવ્યા બાદ મહારાષ્ટ્ર અને મુંબઇથી આગળ વધવાના બદલે ત્યાં અટકી ગયું છે અને હાલમાં કોઈ નવી સિસ્ટમ ન સર્જાતા દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં 14-15 જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતા છે. હવામાન વિભાગના વિજ્ઞાનીઓ જણાવે છે કે આ વર્ષે ચોમાસાની વહેલી એન્ટ્રી તો થઇ છે પણ કેરળમાંથી ચોમાસું આગળ વધીને મુંબઇ સુધી આવીને અટકી ગયું છે.
આ ચોમાસુ ગુજરાત તરફ આગળ વધવાની જગ્યાએ ત્યાં જ વરસી રહ્યો છે. આ બ્રેક અંગે અરબી સમુદ્વ પર રત્નાગીરી અને મહાબળેશ્વર વચ્ચે એક સિસ્ટમ બની હતી. તે સિસ્ટમના કારણે મુંબઇ, અને મહારાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ આ સિસ્ટમ ત્યાં જ વિખેરાઇ ગઇ હતી. આથી ચોમાસું આગળ વધી શકયું નથી.
હવે અરબી સમુદ્વ પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. દર વર્ષે મે મહિનાના અંતે કે જૂનની શરૂઆતમાં વરસાદના ઝાપટાં પડતા હોય છે. પરંતુ વિધિવત વરસાદની તો 14 અને 15 જુન પછી જ પધરામણી થતી હોવાથી આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાબેતા સમય મુજબ 14 અને 15 મી જૂન પછી જ ચોમાસું એન્ટ્રી કરે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.