Raj Thackeray MNS: ઘાટકોપરમાં મરાઠી પરિવાર સાથે ભેદભાવનો આક્ષેપ, ‘મરાઠીઓનું અપમાન સહન નહીં થાય’
Raj Thackeray MNS મુંબઈ ફરી એક વખત મરાઠી અને બિન-મરાઠી સમુદાય વચ્ચેના તણાવની વચ્ચે આવી છે. તાજેતરમાં ઘાટકોપરમાં એક રહેણાંક સોસાયટીમાં મરાઠી પરિવાર સાથે અપમાનજનક વર્તન થવાનાં આક્ષેપો થયા છે. આ ઘટના એ સમયે ચર્ચાનો વિષય બની ગઈ જ્યારે કહેવાય છે કે સોસાયટીમાં રહેતા એક શાહ નામના વ્યક્તિએ મરાઠી પરિવારને માંસાહારના કારણે “ગંદા” કહ્યા હતા અને મટન તથા માછલી ખાવા માટે ટીકા કરી હતી.
આ ઘટનાની જાણ થતા જ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો સોસાયટી પહોંચ્યા અને ચડબડાટ કર્યો. મનસે કામગાર સેનાના ઉપપ્રમુખ રાજ પાર્ટેએ કડક પ્રતિક્રિયા આપતાં કહ્યું કે “મરાઠી લોકોનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે.” તેમણે ઉમેર્યું કે જો બિન-મરાઠી લોકોએ મહારાષ્ટ્રમાં રહીને અહીંના મૂળવાસીઓનો અપમાન કરવો છે, તો તેમને પૂછવું પડશે કે “તમે મહારાષ્ટ્રમાં આવ્યા જ કેમ?”
View this post on Instagram
ઘટનાસ્થળે પહોંચેલી મનસે ટીમે સોસાયટીના અન્ય રહેવાસીઓ સાથે વાતચીત કરી. આરોપી વ્યક્તિ શાહ હાજર નહોતા, પરંતુ સોસાયટીના અન્ય લોકોએ જણાવ્યું કે તેઓ કોઈ પણ જાતનો ભાષા કે ખોરાકના આધારે ભેદભાવ રાખતા નથી. તેમના અનુસાર સોસાયટીમાં માંસાહાર પર કોઈ પ્રતિબંધ નથી અને દરેક વ્યક્તિને તેમના પોતાના જીવનશૈલી અનુસાર રહેવાનો અધિકાર છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસો પહેલા મનસેએ રાજ્યમાં મરાઠી ભાષા માટે આંદોલન ચલાવ્યું હતું, જેમાં કેટલાક સ્થળોએ હિન્દી ભાષી લોકો સાથે અણયોગ્ય વર્તન અને હુમલાના કિસ્સા નોંધાયા હતા. સુપ્રીમ કોર્ટમાં રાજ ઠાકરે સામે અરજીઓ પણ દાખલ થઈ છે, જેમાં તેમની પાર્ટીની નોંધણી રદ કરવાની માંગ કરવામાં આવી છે.
મનસે તરફથી ઉગ્ર નિવેદનો આવતાં મૌલિક અધિકારો અને ભાષાસંવેદનશીલતા અંગે નવી ચર્ચા શરૂ થઈ છે, અને આ મામલો હજુ વધુ ઉથલપાથલ મચાવી શકે તેવી શક્યતાઓ છે.