Maharashtra Elections: કોંગ્રેસે બળવાખોર ઉમેદવારો સામે મોટી કાર્યવાહી કરી, વધુ 7ને હાંકી કાઢ્યા, અત્યાર સુધીમાં 28 નેતાઓ સસ્પેન્ડ
Maharashtra Elections મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. મતદાન પહેલા કોંગ્રેસ બળવાખોર ઉમેદવારો સામે એક પછી એક કાર્યવાહી કરી રહી છે. કોંગ્રેસના મહારાષ્ટ્ર યુનિટે વધુ સાત બળવાખોર ઉમેદવારોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
Maharashtra Elections કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરાયેલા સાત બળવાખોર નેતાઓમાં શામકાંત સનેર, રાજેન્દ્ર ઠાકુર, આબા બાગુલ, મનીષ આનંદ, સુરેશ કુમાર જેથલિયા, કલ્યાણ બોર્ડે અને ચંદ્રપાલ ચૌકસીના નામનો સમાવેશ થાય છે. અગાઉ, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (MPCC) એ 21 અન્ય બળવાખોરોને સસ્પેન્ડ કર્યા હતા. જેના કારણે સસ્પેન્શનની કુલ સંખ્યા 28 પર પહોંચી ગઈ છે.
20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20મી નવેમ્બરે મતદાન થશે અને 23મી નવેમ્બરે મતગણતરી થશે. રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિ અને મહા વિકાસ આઘાડી વચ્ચે નજીકનો મુકાબલો થવાનો છે. જો કે, મેટરાઇઝ સર્વે અનુસાર, મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિને સૌથી વધુ બેઠકો મળવાની ધારણા છે.
મહાયુતિ ગઠબંધનને 145-165 બેઠકો મળવાની આશા
સર્વે અનુસાર, મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી, મહાયુતિ ગઠબંધનને 145-165 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે વિપક્ષ MVAને 106-126 બેઠકો મળવાની ધારણા છે.