Mumbai Bomb Threat: મહારાષ્ટ્રમાં એક કોલરે શનિવારે રાત્રે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને બ્લાસ્ટ વિશે માહિતી આપી. આ કોલ બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. બાબતે તપાસ ચાલુ છે.
એક અજાણ્યો વ્યક્તિ ફોન કોલ દ્વારા બ્લાસ્ટની ધમકી આપી રહ્યો હોવાની માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસે સુરક્ષા ચેતવણી જારી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફોન કરનારે જણાવ્યું કે દાદર વિસ્તારમાં સ્થિત મેકડોનાલ્ડ્સમાં વિસ્ફોટ થશે. મુંબઈ પોલીસને ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે જ્યારે તે બેસ્ટ બસ નંબર 351માં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેણે બે લોકોને મેકડોનાલ્ડને ઉડાડવાની વાત કરતા સાંભળ્યા.
ફોન કરનારે શનિવારે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી. આ કોલ બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. પોલીસ આખી રાત બોમ્બ શોધવામાં વ્યસ્ત રહી હતી. વ્યાપક તપાસ બાદ પણ પોલીસને હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. મુંબઈ પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. મુંબઈ પોલીસે લોકોને સાવચેત રહેવાનું સૂચન કર્યું છે. પોલીસે દરેકને અપીલ કરી છે કે જો કોઈ શંકાસ્પદ વસ્તુ મળે તો તેની માહિતી આપવા.
કોલની તપાસ ચાલુ છે
હાલ મુંબઈ પોલીસને એલર્ટ મોડમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ કોઇપણ શંકાસ્પદ વસ્તુ મળી આવે અથવા કોઇ અપ્રિય ઘટના કે કોલ મળે તો તેને ગંભીરતાથી લેવાનો આદેશ છે. આ ઉપરાંત મુંબઈ પોલીસ ફોન કોલ અંગે વધુ તપાસમાં લાગેલી છે. જોકે, મુંબઈ પોલીસ માટે આ કંઈ નવું નથી. મુંબઈમાં ધમકીભર્યા ફોન આવતા રહે છે. 31 ડિસેમ્બર 2023ની રાત્રે પણ મુંબઈ શહેરને ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. તે દિવસે પણ મુંબઈ પોલીસ આખા શહેરમાં બ્લાસ્ટના સમાચાર સાંભળીને ચોંકી ગઈ હતી.