WAVES Summit 2025: ભારતીય સિનેમાનો વૈશ્વિક અવાજ બનશે – પીએમ મોદીની નોંધપાત્ર ઉપસ્થિતિ
WAVES Summit 2025 ભારતના સૃજનાત્મકતા અને મનોરંજન ઉદ્યોગને વૈશ્વિક મંચ પર સ્થાન આપવાના ઉદ્દેશથી શરૂ થયેલી સમિટનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ રહેલી આ ચાર દિવસીય સમિટમાં વિશ્વભરના સર્જનાત્મક ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને ટેક વિશેષજ્ઞો ભાગ લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં ભારપૂર્વક જણાવ્યું કે સિનેમા માત્ર મનોરંજનનું માધ્યમ નહીં, પરંતુ દેશની સંસ્કૃતિનો અવાજ છે. તેમણે યાદ કરાવ્યું કે 3 મે 1913ના દિવસે ભારતમાં પહેલી ફીચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ રિલીઝ થઈ હતી. “દાદાસાહેબ ફાળકેની શરૂઆતથી લઈને આજે ‘ટ્રિપલ આર’ જેવી ફિલ્મો ઓસ્કાર સુધી પહોંચે છે, એ ભારતની સિનેમાની ઊંચાઈ દર્શાવે છે,” એમ પીએમ મોદીએ ઉમેર્યું.
તેમણે એ.આર. રહેમાન અને રાજામૌલી જેવી વિખ્યાત હસ્તીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની કૃતિઓએ વૈશ્વિક સ્તરે ભારતીય કલા અને વાર્તનશૈલીને ઊંચું સ્થાન આપ્યું છે.
મોદીજીના મતે WAVES પ્લેટફોર્મ એક નવો માઇલસ્ટોન સાબિત થશે. “આ મંચ દરેક સર્જનાત્મક વ્યક્તિનું છે, જે પોતાની કલાના માધ્યમથી વિશ્વને જોડે છે,” એમ તેમણે ઉમેર્યું. તેમણે જણાવ્યું કે, ‘વૈષ્ણવ જન તો’ જેવા ભજન વિશ્વના 500 દેશોના લોકોએ સાથે મળીને ગાયું છે, જે ભારતીય સંસ્કૃતિની ગ્લોબલ એપિલ દર્શાવે છે.
માત્ર એક સમિટ નથી, પણ ભારતના મનોરંજન ઉદ્યોગને નવી દિશા આપતો ઐતિહાસિક પ્રયાસ છે. અહીંથી સ્થાનિક કળા વૈશ્વિક સ્તરે પહોંચશે અને ભારત વૈશ્વિક મનોરંજન નક્ષે પર વધુ મજબૂતીથી ઉભું રહેશે.