જંતર-મંતર પર વિના પરવાનગી વિરોધ પ્રદર્શનનો વિવાદ: દિલ્હી પોલીસે અટકાયત કરી સીજેપી નેતાઓને SCM કોર્ટમાં રજૂ કર્યા
દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન અને રાજકીય હિલચાલ વચ્ચે એક મોટો કાયદાકીય વિવાદ સામે આવ્યો છે. સીજેપી (CJP) ના કાર્યકર્તાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સીજેપીના કાયદાકીય વિભાગના વડા રત્ના સિંહે આ અંગે દાવો કરતા જણાવ્યું છે કે આ ત્રણેય નેતાઓને બુધવારે સવારે એસસીએમ (SCM) કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાંથી તેમને તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડી (Judicial Custody) હેઠળ મોકલવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
ધરપકડ પાછળના કારણો અને પોલીસ કેસ
રત્ના સિંહ અને સમાચાર એજન્સી ANI ના અહેવાલો મુજબ, આ ત્રણેય સીજેપી કાર્યકર્તાઓ વિરુદ્ધ પરવાનગી વિના જંતર-મંતર ક્ષેત્રમાં પ્રવેશ કરવા, પૂર્વ નિર્ધારિત બોન્ડનો ભંગ કરવા તેમજ સરકારી અધિકારીઓની ફરજમાં અવરોધ ઊભો કરવા બદલ કાયદાકીય કેસ નોંધવામાં આવ્યો છે.
મંગળવારે જ પોલીસે આ નેતાઓની કસ્ટડી લઈ લીધી હતી. આ ત્રણેય કાર્યકર્તાઓ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા હતા.
મોડી રાત્રે પોલીસ કાર્યવાહી અને વકીલોની મુલાકાત પર રોક
સીજેપી નેતા રત્ના સિંહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં દિલ્હી પોલીસની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને મોડી રાત સુધી તેમને પોતાના વકીલોને મળવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
તેમણે વધુમાં જણાવ્યું કે સવારે આશરે ૩ વાગ્યે તેમને એક ખાનગી વાનમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. રત્ના સિંહે દાવો કર્યો હતો કે પોલીસના આ વલણ છતાં પણ ધરપકડ કરાયેલા ત્રણેય કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જુસ્સો બુલંદ છે અને તેઓ કાયદાકીય માર્ગે પોતાની લડાઈ ચાલુ રાખશે.
જંતર-મંતર હવે વિરોધ પ્રદર્શનનું માન્ય સ્થળ નથી
આ ઘટનાક્રમ વચ્ચે સૌથી મહત્વપૂર્ણ બાબત એ સામે આવી છે કે દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સામે ચાલતા વિરોધ પ્રદર્શન અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સોમવારથી જ જંતર-મંતરને વિરોધ પ્રદર્શન માટેના નિર્ધારિત સ્થળોની યાદીમાંથી સંપૂર્ણપણે હટાવી દીધું છે.
હવે દિલ્હીમાં કોઈ પણ રાજકીય કે સામાજિક સંગઠને વિરોધ દર્શાવવો હોય તો તેના માટે રામલીલા મેદાન, બુરાડી મેદાન અથવા સીબીડી મેદાનને વિકલ્પ તરીકે પસંદ કરવાના રહેશે. પરવાનગી વિના જંતર-મંતર પર એકત્ર થવા બદલ જ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે
