ગુજરાતમાં આગામી એકાદ બે સપ્તાહમાં જ ભાજપ પ્રદેશના માળખામાં મોટા ફેરફાર થશે તે નક્કી, અસંતોષ ઠારવાના પ્રયાસો કરાશે?
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ હવે સંગઠનના માળખામાં ફેરફાર કરવાની દિશામાં કવાયત શરૂ કરી દેવામાં આવી છે પાલિકાની ચૂંટણી જીતવી એ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનું લક્ષ્ય રહ્યુ છે તે જોતાં સંગઠનને વ્યૂહાતમક રીતે સજ્જ કરવાની દિશામાં તૈયારીઓ કરાઈ છે
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનું મુખ્ય લક્ષ્ય આગામી પાલિકાની ચૂંટણી જીતવું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને, તેઓ સંગઠનને વ્યૂહાત્મક રીતે સજ્જ કરવા અને કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડવા માટે નવી ટીમ બનાવશે. પ્રદેશ માળખાને નવો ઓપ આપવા પાછળનો મુખ્ય હેતુ સંગઠનની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. સૂત્રોના મતે, કેન્દ્રીય નેતળત્વએ પણ આ ફેરફારોને લીલીઝંડી આપી દીધી છે. જગદીશ પંચાલ સામાજિક અને રાજકીય પાસાઓને ધ્યાનમાં રાખીને નવી ટીમ બનાવે તેવી ચર્ચા છે. આ નવી ટીમમાં માત્ર નવા અને યુવા નેતાઓને જ નહીં, પરંતુ જરૂર પડ્યે કેટલાક જૂના અને અનુભવી જોગીઓને પણ સ્થાન મળી શકે છે.
નવા સગઠનનાં મળખામાં કેટલાક હાંસિયામાં ધકેલાઈ ગયેલા કાર્યકરો અને નેતાઓનો પણ સમાવેશ થવાની શક્યતા નકારી શકાતી નથી. કેટલાક પક્ષ પલ્ટુઓને ભાજપમાં મળી રહેલા શિરપાવથી ભાજપના પાયાનાં કાર્યકરોમાં ભારોભાર અસંતોષ છે ત્યારે નવા પ્રમુખ માટે આ અસંતોષને દુર કરવાની જવાબદારી પણ આવી પડી છે.
પ્રદેશ માળખામાં થનારા આ ફેરફારોમાં ઉપાધ્યક્ષ અને મહામંત્રી સહિત સંગઠનના અનેક મહત્વના પદોમાં પરિવર્તન થશે. સૂત્રોનું કહેવું છે કે, હાલના ઉપાધ્યક્ષો અને મહામંત્રીઓ પૈકી અડધોઅડધ બદલાઈ જશે. મહામંત્રીની જગ્યા ખાલી પડી છે, તેના પર પણ નવી નિયુક્તિ થશે. સંગઠનના આ મહત્વના પદ પર કોને જવાબદારી સોંપાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. પ્રદેશ માળખામાં સ્થાન મેળવવા માટે દાવેદારોએ પોતાના ગોડફાધરોની ભલામણ થકી લોબિંગ શરૂ કર્યું છે. અત્યારે તો પ્રદેશ માળખામાંથી કોની વિકેટ પડશે અને કોને ચાન્સ મળશે તે અંગે અટકળો હાલ ચાલી રહી છે.
ગુજરાતમાં જગદીશ પંચાલે પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી લીધી છે, પરંતુ તેઓ પોતાના મંત્રીપદેથી રાજીનામું આપે તેવી શકયતા અત્યારે નહીવત છે. ભાજપ પ્રમુખપદ સંભાળ્યા પછી પણ પંચાલ સચિવાલયમાં દેખાયા હતા અને વિધાનસભા પોડિયમમાં સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં પણ તેમણે હાજરી આપી હતી. જો તેઓ મંત્રીપદેથી રાજીનામું આપે તો સહકાર મંત્રીનો હવાલો અન્ય મંત્રીને સોંપવો પડે. હાલની પરિસ્થિતિ જોતા, જ્યાં સુધી મંત્રીમંડળનું વિસ્તરણ ન થાય ત્યાં સુધી જગદીશ પંચાલ મંત્રીપદ (સહકાર મંત્રી) અને પ્રમુખપદ બંને પદ જાળવી રાખશે તેમ લાગી રહ્યું છે.