ઉંદર કરડતા તબીયત બગડી, સારવાર છતાં જીવ બચી ન શક્યો
વડોદરા શહેરના સલાટવાલા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સંદીપભાઈ મોરેની ઉંદર કરડવાના પગલે સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સંદીપભાઈ રાત્રે પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે એક ઉંદરે તેમના માથા અને પગ પર કરડ્યું. શરૂઆતમાં સામાન્ય લાગેલી સ્થિતિ હવે જીવલેણ બની ગઈ હતી.
તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ
પરિવારજનોના કહેવા મુજબ, કરડ્યા બાદ સંદીપભાઈની તબિયત ધીમે ધીમે લથડવા લાગી, જેના પગલે તેમને તરત જ વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ડોક્ટરોએ તેમને ગંભીર હાલતમાં આઈ.સી.યુ.માં દાખલ કર્યા. બધા પ્રયાસો છતાં તબીબો તેમનો જીવ બચાવી શક્યા નહીં. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પરિવાર આઘાતમાં, તેઓ માનતા ન હતા કે આવું બની શકે
સંદીપભાઈ મોરેના પરિવારજનો ખૂબ આઘાતમાં છે. તેમનું કહેવું છે કે સંદીપભાઈ સંપૂર્ણ સ્વસ્થ અને હષ્ટપુષ્ટ હતા. કરડ્યા બાદ પણ શરૂઆતમાં કોઈ મોટી તકલીફ નહોતી, પણ થોડી જ કલાકોમાં તબિયત ખૂબ બગડી ગઈ. તેમને આશા હતી કે સારવાર બાદ તેઓ ઘરે પાછા ફરશે, પણ એ શક્ય બન્યું નહીં.
ઉંદર કરડવાના પગલે લાઈફથ્રેટિંગ બીમારીઓનો ભય
તબીબોના મતે, ઉંદર કરડવાથી થનારા ચેપો હળવા પણ હોઈ શકે છે અને ઘણીવાર ગંભીર જીવલેણ પણ બની શકે છે. ઉંદરના દાંત અને લાળમાં બેક્ટેરિયા હોય છે, જેના કારણે લેપ્ટોસ્પાયરોસિસ અથવા રેટ-બાઈટ ફીવર જેવી બીમારીઓ પેદા થાય છે. કેટલાક દૂર્લભ કેસમાં પ્લેગ અથવા હન્ટાવાયરસ પણ જોવા મળતા હોય છે.
સાવચેતી જરૂરી: કરડ્યા પછી શું કરવું?
તજજ્ઞો જણાવે છે કે, ઉંદર કરડવા સાથે તાત્કાલિક અસરકારક પગલાં લેવા ખૂબ જ આવશ્યક છે:
ઘા ને સાબુ અને પાણીથી સારી રીતે ધોવું
એન્ટિસેપ્ટિક લગાવવું
તાવ, દુખાવો કે લાલાશ વધી જાય તો તરત ડોક્ટરને દેખાડવું
ડોક્ટર ટિટનસનું ઈન્જેક્શન કે એન્ટીબાયોટિક્સ આપી શકે છે
રેબીઝની શક્યતા હોય તો રસી લેવા વિલંબ ન કરવો
ઉંદરથી બચવા ઘર અને આસપાસ સાફસૂફી જાળવો
ઉંદરના ઉપદ્રવથી બચવા માટે નીચેની બાબતો મહત્વપૂર્ણ છે:
ઘરમાં અને આસપાસ સાફસૂફી રાખવી
ખોરાક ઢાંકીને રાખવો
જો ઉંદરોનું પ્રમાણ વધુ હોય તો પેસ્ટ નિયંત્રણ કરાવવું
વડોદરામાં ઉંદર કરડવાના પગલે 40 વર્ષીય વ્યક્તિના મૃત્યુની ઘટના તબીબી જગત અને સ્થાનિક વાસીઓ માટે ચોંકાવનારી બની છે.