Marathi Language Politics મહારાષ્ટ્ર રાજકારણમાં ભાષા પર રાજકીય જંગ, ચૂંટણી પહેલા ગરમાયો માહોલ
Marathi Language Politics મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષા મુદ્દે રાજ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેના વિવાદાસ્પદ નિવેદનનો ઉગ્ર પ્રતિસાદ આપતાં કહ્યું હતું કે તેઓ દુબેને મુંબઈના દરિયામાં ડૂબાડી દેશે. હવે આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વાડેટ્ટીવાર પણ મેદાને ઉતરી આવ્યા છે અને તેમણે આપેલા નિવેદનથી રાજ્યમાં નવી ચર્ચાનો તાપ વધી ગયો છે.
વિજય વાડેટ્ટીવારે જણાવ્યું કે, “ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ.” તેમણે કહ્યું કે ઈંટ ફેંકશો તો બે ટાંકા આવશે, પણ પથ્થર ફેંકશો તો ચાર ટાંકા આવશે. તેમની દલીલ હતી કે આ રીતે બંને પક્ષ ઘાયલ થશે અને લોકો સમજી શકશે કે યુદ્ધ કોઈ સારો વિકલ્પ નથી. તેમણે કહ્યું કે અમારું હિન્દી ભાષા સામે કોઈ વેર નથી, પરંતુ જે રીતે કેન્દ્ર સરકાર હિન્દી ભાષાને પ્રાધાન્ય આપી રહી છે અને રાજ્યની ભાષાઓને નકારવાનું પ્રયાસ કરી રહી છે, તે વિરુદ્ધ અમારી લડાઈ છે.
વાડેટ્ટીવારનો આરોપ છે કે ભાજપ જાણી જોઈને મરાઠી સામે હિન્દીનો મુદ્દો ઉઠાવી રહી છે
જેથી મરાઠી મતદારોમાં વિભાજન સર્જી શકે અને હિન્દૂ મતોને પોતાની તરફ આકર્ષી શકે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે અને ભાજપ મરાઠી વોટબેંકમાં ભંગાણ પેદા કરવા માંગે છે. તેઓ માને છે કે આ બધું એક રણનીતિનો ભાગ છે જેનાથી ભાજપને રાજકીય લાભ મળી શકે.
રાજ ઠાકરે અને નિશિકાંત દુબે વચ્ચે થયેલ તીવ્ર શબ્દયુદ્ધ હવે રાજકીય પક્ષોમાં પરસ્પર આરોપ-પ્રત્યારોપના ચક્રમાં ફસાઈ ચૂક્યો છે. મામલો હવે માત્ર ભાષા કે સંસ્કૃતિનો રહ્યો નથી, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનભાવનાઓ સાથે રમવાની કોશિશ પણ બની ગયો છે.
વિજય વાડેટ્ટીવારના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ હવે વધુ ઊંડો બનશે અને તેની અસર આગામી રાજકીય સમીકરણો પર પણ પડવાની શક્યતા છે.