ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્કૂલના બાળકો માટે મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી છે કે જેથી ઓનલાઇન અભ્યાસમાં આવતી અડચણોને દૂર થઇ છે. સ્કૂલના વિદ્યાર્થીઓ જાતે એપ્લિકેશન ખોલીને તેમનો અભ્યાસ ઓનલાઇન મેળવી શકશે.
કોરોના સંક્રમણના સમયમાં ગુજરાતમાં ઓફલાઇન શિક્ષણ ઠપ્પ થયું છે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે શિક્ષકો અને શાળા સંચાલકો નવા નવા નુસખા અપનાવી રહ્યાં છે. રાજ્યમાં કોઇ જગ્યાએ શિક્ષક તેના બાળકોને વોટ્સઅપ પર અભ્યાસક્રમ શિખવે છે તો મહેસાણા જિલ્લામાં નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીની પ્રેરણા અને પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલના માર્ગદર્શનમાં મહેસાણા જિલ્લાના શિક્ષકોએ સ્ટડી એટ હોમ નામની એક એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશનની મદદથી ધોરણ-3 થી ધોરણ-9 અને ધોરણ-9 થી ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓ મોબાઇલ એપ્લિકેશનની મદદથી ઓનલાઇન ભણી શકશે.
મહેસાણા જિલ્લાની પ્રાથમિક સ્કૂલના શિક્ષક ડો. મિહિર એન સોલંકી, રવિ પટેલ અને તેમના સહયોગીઓએ એક એપ્લિકેશન બનાવી છે જેની મદદથી સ્કૂલના વિદ્યાર્થીઓ આનંદ સાથે અભ્યાસ કરી શકશે. તેઓ તેમનું સ્વમૂલ્યાંકન પણ કરી શકે છે. આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણમાં સાવચેતી રાખવાના પણ સંદેશા આપવામાં આવ્યા છે.
આ વિદ્યાર્થીઓ ફુરસદના સમયમાં ઓનલાઇન ગેઇમ પણ રમી શકશે. આ એપ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. ધોરણ-3 થી ધોરણ-8ના વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી સાહિત્ય પુરૂં પાડવામાં આવ્યું છે. તેમાં પીડીએફ સાહિત્યનો પણ સમાવેશ થાય છે.
અભ્યાસ સાથે આ શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે ધોરણ અને અભ્યાસક્રમ પ્રમાણેની ક્વિઝ કોમ્પિટીશન પણ મૂકી છે જેથી બાળકો તેમનું સ્વમૂલ્યાંકન કરી શકશે અને પોતાને મળેલા સ્કોર જાતે જોઇ શકશે. પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા તે વિદ્યાર્થી જાતે જાણી શકશે. એપ્લિકેશનમાં ગણિતની રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેથી તેમનું ગણિત પણ મજબૂત બની શકે.