મહેસાણા તાલુકાના બલોલ ગામે સોમવારે મોડી રાત્રે ભવાની માતાના મંદિર પાસે ગામના 17 વર્ષના કિશોરની છરી મારી હત્યા કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. હત્યા પાછળનું કારણ અને હત્યા કોને કરી તે મુદે શરૂ થયેલી ચર્ચાઓ વચ્ચે મોટી સંખ્યામાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી તપાસનો દોર લંબાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગામમાં ગુરુકૃપા સોસાયટીમાં પરિવાર સાથે રહેવા ગયેલા ર્કિતીભાઈ પટેલનો 17 વર્ષનો પુત્ર નીલ સોમવારે રાત્રે 9.30 કલાકે ઘરેથી વેફર લેવા જવાનું કહી પાર્લર ઉપર નીકળ્યો હતો. અડધો કલાક જેટલો સમય થવા છતાં નીલ પરત ન આવતા તેના પિતાએ તેને મોબાઈલ ફોન કર્યા હતા. પરંતુ પુત્ર ફોન ઉપાડતો ન હોય તેમને ટેન્શન થયુ હતુ.તેથી તેના પિતા તેને શોધવા નીકળ્યા હતા.
જેમાં જોષી માઢના નાકે ભવાની માતાના મંદિર નીજીક નીલની છરી મારેલી લોહીલુહાણ હાલતમાં પડેલી લાશ જોઈ તેઓ રડી પડ્યા હતા અને બુમાબુમ કરી મુકી હતી. જેને પગલે બનાવસ્થળે ગામના લોકો ભેગા થઈ ગયા હતા. નીલની હત્યા કોને અને કેમ કરી તે મુદેે ઉઠેલા રહસ્ય વચ્ચે સાંથોલ પોલીસની સાથો સાથ મહેસાણા એલસીબી,એસઓજી સહિતનો પોલીસનો કાફલો બનાવસ્થળે પહોંચી જઈ તપાસનો દોર લંબાવ્યો હતો.