ગાંધીનગર- રાજ્યમાં પ્રથમવાર ઉત્તર ગુજરાતના મહેસાણામાં કોરોના વાયરસનો પોઝિટીવ કેસ સામે આવ્યો છે પરંતુ તે ક્યાંથી આવ્યો, કોના સંપર્કથી આવ્યો તેની માહિતી મહેસાણા જિલ્લા કલેક્ટરે આપી છે. આ પોઝિટીવ કેસ મૂળ ગાંધીનગરથી આવ્યો છે જ્યાં પોઝિટીવ કેસની સંખ્યા આઠ થઇ છે.
જિલ્લા કલેક્ટર એચકે પટેલે જણાવ્યું છે કે મૂળ ગાંધીનગર જિલ્લાના કુડાસણ ગામનો આ કેસ છે. વડુ ફાર્મસીસ્ટના સંપર્કમાં આવવાથી તેને ચેપ લાગ્યો છે. આ યુવાનની પત્ની વિજાપુરમાં શિક્ષિકા છે તેથી તેણે તેનું સરનામું વિજાપુરમાં રાધે બંગલોઝનું આપ્યું છે.
આ યુવાન ચાર દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના વિજાપુરમાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ફાર્માસિસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આ યુવાનને પણ ચાર દિવસ પહેલાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટ કરી દેવામાં આવ્યો હતો. તેના રાધે બંગલોઝમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ યુવાનના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરેન્ટાઇન કરવામાં આવશે. હકીકતમાં મહેસાણામાં કોઇ પોઝિટીવ કેસ નથી તેવું જિલ્લા કલેક્ટર એચકે પટેલનું કહેવું છે.