આધુનિક જીવનશૈલીમાં સ્થૂળતા સામે અસરકારક ઉપાય: અપનાવો મિલેટ્સ અને કઠોળ
આજના ભાગદોડભર્યા જીવનમાં મેદસ્વિતા (સ્થૂળતા) એ અનેક ગંભીર બીમારીઓનું મૂળ બની ગઈ છે. રાજ્ય સરકારના “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન હેઠળ હવે આહારમાં ‘શ્રી અન્ન’ એટલે કે જાડા ધાન્યને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જુવાર, બાજરી, રાગી (નાગલી), કોદરી, સામો અને કાંગ જેવા ધાન્યો ફાઈબરથી ભરપૂર હોય છે. તે પાચનશક્તિ સુધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખતા હોવાથી વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત, આ ધાન્યો ગ્લુટેન-ફ્રી અને એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર હોવાથી ડાયાબિટીસ અને હૃદય રોગ સામે પણ રક્ષણ આપે છે.
કઠોળ: શાકાહારીઓ માટે પ્રોટીનનો શ્રેષ્ઠ વિકલ્પ
પ્રોટીન અને ફાઈબર મેળવવા માટે મગ, અડદ, ચણા અને તુવેર જેવા કઠોળ દૈનિક આહારમાં અનિવાર્ય છે. સ્નાયુઓના મજબૂતીકરણ માટે કઠોળ રામબાણ ઈલાજ છે. તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અને કબજિયાત જેવી તકલીફો દૂર કરવામાં સહાયરૂપ થાય છે. નિયમિત કઠોળનું સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.
દૈનિક આહારમાં કેવી રીતે સામેલ કરશો?
-
સવારનો નાસ્તો: ફણગાવેલા કઠોળ અથવા રાગીના રાબ/શીરાનો ઉપયોગ કરો.
-
બપોરનું ભોજન: ઘઉંની રોટલીને બદલે બાજરીનો રોટલો કે જુવારની રોટલીનો આગ્રહ રાખો.
-
સાંજનું ભોજન: હળવા આહાર તરીકે દાળ, કઠોળનું સૂપ અથવા મિલેટ્સની ખીચડી શ્રેષ્ઠ છે.

