માનીતા કોન્ટ્રાક્ટરોને જ કામો આપવાનું ષડયંત્ર, અમદાવાદ શહેરમાં નાગરિકોના નાણાંનો દૂર ઉપયોગ
અમદાવાદ,
અમદાવાદ શહેરના ઇજનેર ખાતામાં કોન્ટ્રાક્ટરો નોંધાયેલાં છે. પરંતુ ચોક્કસ કોન્ટ્રાક્ટરોને જ યેનકેન પ્રકારે કામો પધરાવવાનો ખેલ ચાલે છે.
મધ્ય અમદાવાદમાં એકંદરે રૂ. 10 કરોડના કામો ફક્ત એક જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી રહ્યાં છે. વાસ્તવમાં કોન્ટ્રાક્ટ મળ્યા બાદ પેટા કોન્ટ્રાક્ટમાં કેટલાક કામો થાય છે. વિજિલન્સ તપાસ કરાવવામાં આવે તો ભાજપના નેતાઓ અને મધ્ય ઝોનના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ખુલ્લી પડે તેમ છે.
મધ્ય ઝોનમાં કોઇ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર થતા નથી તેવી ખોટી બૂમરાણ ભાજપના નેતાઓએ મચાવીને ચોક્કસ અને માનીતા કોન્ટ્રાક્ટરોને જ કામો આપવામાં આવી રહ્યાં છે.
મધ્ય ઝોનમાં ચોક્કસ ઠેકેદારોને નીચા ભાવે કામ આપવાના બહાને કરોડોનાં કામો આપી દેવામાં આવી રહ્યા છે. આવી વિવાદાસ્પદ દરખાસ્તો રોડ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
મધ્ય ઝોનમાં અસારવા વોર્ડમાં સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર બજેટમાંથી આરસીસી રોડ તથા પેવર બ્લોક લગાવવાનુ રૂ. 2 કરોડ 40 લાખના એઆરસી ટેન્ડર આપવાની દરખાસ્ત છે.
શાહપુર વોર્ડમાં પણ સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર બજેટમાંથી આરસીસી રોડ તથા પેવર બ્લોક લગાવવાનુ રૂ. 2 કરોડ 40 લાખનું ટેન્ડર આપવા દરખાસ્ત છે.
શાહપુરમાં મ્યુનિ. બિલ્ડીંગો, સ્કૂલો અને આંગણવાડીઓ રિપેર કરવાનુ રૂ. 1 કરોડ 41 લાખનું એઆરસી ટેન્ડર છે.
દરિયાપુર વોર્ડમાં ફૂટપાથ અને સેન્ટ્રલ વર્જને કલર કરવાનું રૂ. 93 લાખનુ એઆરસી ટેન્ડર, દરિયાપુર વોર્ડમાં પેવર બ્લોક લગાવવાનું કામ છે.
ઉપરાંત આકૃતિ કન્સ્ટ્રકશન નામની પેઢીની બોલબાલા છે. આ કોન્ટ્રાક્ટરને પણ શાહપુર વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર રિપેરીંગનું રૂ. 2 કરોડ 47 લાખનું ટેન્ડર પધરાવાયું છે. આટલા ખર્ચમાં નવુ બિલ્ડીંગ બની જાય તેમ છે.
આકૃતિ કન્સ્ટ્રકશન નામનાં કોન્ટ્રાકટરને રૂ. 7 કરોડના કામો આપવામાં આવ્યા છે.
આકૃતિ કન્સ્ટ્રકશનને વાસુદેવ ત્રિપાઠી હોલ રિપેરીંગનુ રૂ. 2 કરોડ 28 લાખનું ટેન્ડર અપાયું છે.