iPhone
ભારતમાંથી iPhoneની નિકાસ બમણી થઈને US $12.1 બિલિયન થઈ ગઈ છે. આ વધારો ભારત સરકાર દ્વારા ઉત્પાદન સંબંધિત PLI યોજના જેવી પહેલને કારણે થયો છે.
Apple iPhone Export: ભારતે મોબાઈલ નિકાસમાં મોટી છલાંગ લગાવી છે. આ સાથે આઈફોનની નિકાસ બમણી થઈ ગઈ છે. ભારતમાંથી Appleની iPhone નિકાસ 2023-24માં વધીને US $12.1 બિલિયન થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ 2022-23માં US $6.2 બિલિયન હતી. ટ્રેડ વિઝન મંગળવારે એક રિપોર્ટ જાહેર કર્યો, જેમાં આ માહિતી સામે આવી.
ટ્રેડ વિઝનના અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાંથી સ્માર્ટફોનની કુલ નિકાસ વધીને 16.5 અબજ ડોલર થઈ ગઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં 12 અબજ યુએસ ડોલર હતી. અહેવાલ જણાવે છે કે આ વૃદ્ધિ એપલની વધતી હાજરી, ભારતીય ઉત્પાદન ઇકોસિસ્ટમના વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવાની વ્યાપક અસરોને પ્રતિબિંબિત કરે છે. ભારતમાંથી Appleની iPhone નિકાસ નાણાકીય વર્ષ 2022-23માં $6.27 બિલિયનથી વધીને 2023-24માં $12.1 બિલિયન થઈ ગઈ છે, જે લગભગ 100 ટકા વૃદ્ધિ છે.
કોરોના બાદ દુનિયાભરની મોટી કંપનીઓનો ભારત પર વિશ્વાસ વધી ગયો છે. ભારતની અર્થવ્યવસ્થાને તેનો સતત ફાયદો થઈ રહ્યો છે. ઘણા મેન્યુફેક્ચરિંગ યુનિટ ચીનથી ભારતમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એપલથી લઈને ટેસ્લા સુધી ઘણી મોટી કંપનીઓ ભારતમાં સતત વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.
અમેરિકન માર્કેટમાં સતત હાજરી વધી રહી છે
ટ્રેડ વિઝન એલએલસીએ જણાવ્યું હતું કે આ આંકડા દર્શાવે છે કે ભારત હવે એપલની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. મોનિકા ઓબેરોય, વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ), ટ્રેડ વિઝન એલએલસીએ જણાવ્યું હતું કે ભારત સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ જેવી પહેલોએ Apple જેવી કંપનીઓને સ્થાનિક ઉત્પાદનમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. અમેરિકન માર્કેટમાં ભારતીય બનાવટના iPhonesની હાજરી સતત વધી રહી છે.
હવે iPhoneના કેમેરાના પાર્ટ્સ ભારતમાં જ બનાવી શકાશે
અમેરિકન કંપની Apple હવે ભારતમાં iPhone કેમેરાના પાર્ટ્સ બનાવવાની તૈયારી કરી રહી છે. ETના અહેવાલ મુજબ Apple iPhone કેમેરાના ઉત્પાદન માટે મુરુગપ્પા ગ્રૂપ અને ટાટા ગ્રૂપની ટાઇટન કંપની સાથે વાતચીત કરી રહી છે. આ પગલું એટલા માટે પણ લેવામાં આવી રહ્યું છે કે જેથી ચીન પર આઇફોન મેન્યુફેક્ચરિંગની નિર્ભરતા ઓછી કરી શકાય. ઘણા iPhone મોડલ હાલમાં ભારતમાં એસેમ્બલ છે, પરંતુ કેમેરા મોડ્યુલ માટે કોઈ સપ્લાયર નથી.