ગાઝા શાંતિ સમજૂતી પર ટ્રમ્પને મળ્યો PM મોદીનો સાથ: યુદ્ધ રોકવા માટે તમામ દેશોને મોટી અપીલ
PM મોદીએ ટ્રમ્પની ગાઝા શાંતિ સમજૂતી માટેની યોજના પર પ્રતિક્રિયા આપી છે અને તેમના આયોજનનું સ્વાગત કર્યું છે.
ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માટે એક વિશેષ યોજના તૈયાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (30 સપ્ટેમ્બર) ટ્રમ્પની યોજનાનું સ્વાગત કર્યું. તેમણે સહમતિ દર્શાવતા એમ પણ કહ્યું કે, અન્ય દેશો પણ આ મુદ્દે ટ્રમ્પ સાથે સહમત થશે, જેનાથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરી શકાય.
વડાપ્રધાન મોદીએ X (અગાઉનું ટ્વિટર) પોસ્ટ દ્વારા કહ્યું:
“અમે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાની યોજનાનું સ્વાગત કરીએ છીએ. આ યોજના પેલેસ્ટાઇની અને ઇઝરાયલી લોકો તેમજ સમગ્ર પશ્ચિમ એશિયા ક્ષેત્ર માટે લાંબા સમય સુધી શાંતિ, સુરક્ષા અને વિકાસનો એક સારો માર્ગ દર્શાવે છે. અમને આશા છે કે તમામ સંબંધિત પક્ષો ટ્રમ્પની આ પહેલને સમર્થન આપશે, જેથી સંઘર્ષ સમાપ્ત થાય અને શાંતિની સ્થાપના થઈ શકે.”
યુદ્ધ સમાપ્ત કરવા ઇઝરાયલ તૈયાર
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝામાં સંઘર્ષ સમાપ્ત કરવા માટે 20 મુદ્દાઓની યોજના તૈયાર કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિના આ પ્લાનને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને મુસ્લિમ દેશોનું સમર્થન મળી ચૂક્યું છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિનો આ પ્રસ્તાવ ઇજિપ્ત (મિસ્ર) અને કતાર દ્વારા હમાસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. હમાસે પ્રસ્તાવને લઈને કહ્યું છે કે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપતા પહેલા આ બાબત પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે.
We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…
— Narendra Modi (@narendramodi) September 30, 2025
અમેરિકી રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની બેઠક સિવાય આરબ અને મુસ્લિમ દેશો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન જ ગાઝાપટ્ટીમાં યુદ્ધવિરામ (સીઝફાયર) અંગે ટ્રમ્પે પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો. અમેરિકાએ ત્યારબાદ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પણ પોતાની યોજના જણાવી. વડાપ્રધાન નેતન્યાહૂએ પણ ટ્રમ્પના પ્લાનને સમર્થન આપ્યું છે.