મૂડીઝની ચેતવણી: મંદીના આરે અમેરિકા, ટ્રમ્પની નીતિઓ પર સવાલ
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ (Moody’s) એ અમેરિકાના અર્થતંત્રને લઈને મોટું એલર્ટ જાહેર કર્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હવે ઊંડી મંદી તરફ આગળ વધી રહ્યું છે. ટ્રમ્પ સરકારે “અમેરિકા ફર્સ્ટ” ના નારા હેઠળ ઘણા એવા નિર્ણયો લીધા, જેની અસર વૈશ્વિક સ્તરે પણ જોવા મળી રહી છે. ખાસ કરીને વિશ્વભરના દેશો પર ટેરિફ લાદવાની નીતિએ માત્ર અમેરિકાના આર્થિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ રોકાણકારોનો વિશ્વાસ પણ ડગમગી ગયો છે.
મંદીના આરે અમેરિકન ઇકોનોમી
ટ્રમ્પ વારંવાર દાવો કરતા રહ્યા છે કે તેમના નેતૃત્વમાં અમેરિકન અર્થતંત્ર સૌથી મજબૂત તબક્કામાં છે. પરંતુ મૂડીઝના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક ઝેંડી એ આ દાવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે અમેરિકા ઘણા આર્થિક મોરચે ‘લાલ નિશાન’ પર ઊભું છે. તેમના મતે, નોકરીની તકો ઘટી રહી છે, કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ વધી રહ્યો છે અને વિદેશી રોકાણકારો અમેરિકન બજારમાં એટલો રસ દાખવી રહ્યા નથી.
માર્ક ઝેંડીનું અનુમાન છે કે જો આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો 2025ના અંત સુધીમાં અમેરિકા ઊંડી મંદીની ઝપેટમાં આવી જશે. જોકે, તેમનું કહેવું છે કે હાલમાં અમેરિકા મંદીમાં નથી, પરંતુ અત્યંત નાજુક સ્થિતિમાં ઊભું છે અને કોઈપણ સમયે તેમાં પ્રવેશી શકે છે.
પોકળ સાબિત થઈ રહ્યા છે ટ્રમ્પના દાવાઓ
ટ્રમ્પ પ્રશાસન GDP ગ્રોથ અને મોંઘવારી પર નિયંત્રણને પોતાની ઉપલબ્ધિ ગણાવતું રહ્યું છે, પરંતુ જમીની હકીકત તેનાથી વિપરીત છે. ન્યૂઝવીકને આપેલા ઈન્ટરવ્યુમાં માર્ક ઝેંડીએ કહ્યું કે મહિનાઓ પહેલા વ્યક્ત કરાયેલી આશંકાઓ હવે સાચી પડતી દેખાઈ રહી છે. ટ્રમ્પની ટેરિફ પોલિસીએ આયાત-નિકાસને નુકસાન પહોંચાડ્યું છે, જેનાથી અમેરિકન ઉદ્યોગ અને ગ્રાહક બંને પ્રભાવિત થયા છે.
2008ના સંકટની સચોટ ભવિષ્યવાણી કરનાર ઝેંડીની ચેતવણી
માર્ક ઝેંડી એ જ અર્થશાસ્ત્રી છે જેમણે 2008ના વૈશ્વિક નાણાકીય સંકટનું સચોટ અનુમાન લગાવ્યું હતું. ત્યારે પણ તેમની ચેતવણીઓને શરૂઆતમાં ગંભીરતાથી લેવામાં આવી ન હતી, પરંતુ બાદમાં તે સાચી સાબિત થઈ. આ વખતે પણ ઝેંડીએ સ્પષ્ટ કહ્યું છે કે જો વહેલી તકે નીતિઓમાં ફેરફાર નહીં કરવામાં આવે તો અમેરિકન અર્થતંત્ર ઊંડા સંકટમાં જઈ શકે છે.
વૈશ્વિક સ્તરે અસર
અમેરિકાની મંદીની અસર ફક્ત ત્યાં સુધી સીમિત રહેશે નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે. ડોલરની નબળાઈ, આયાત-નિકાસમાં ઘટાડો અને વિદેશી રોકાણની અછતથી એશિયન અને યુરોપિયન બજાર પણ પ્રભાવિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, મૂડીઝની આ ચેતવણી ફક્ત અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.