MW-UDA દ્વારા ભવિષ્યના વિકાસ નકશા પર ચર્ચા, ઔદ્યોગિક વિકાસથી લઈને પર્યાવરણ સંરક્ષણ સુધી વ્યાપક આયોજન
મોરબી અને વાંકાનેરના આગામી દાયકાઓના ભવિષ્યને ધ્યાને રાખીને ‘મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ’ (MW-UDA) દ્વારા ‘વિકાસ યોજના-૨૦૪૭’ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ આયોજનમાં લોકભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને અને મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ પરામર્શ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સંગઠનો અને હિતધારકોના સૂચનો મેળવીને મોરબી-વાંકાનેર વિસ્તારને આધુનિક અને સુવિધાસભર બનાવવાનો છે.
ઔદ્યોગિક વિકાસ અને ટ્રાફિક મેનેજમેન્ટ પર વિશેષ ભાર
આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ, સિરામિક એસોસિએશન અને બિલ્ડર એસોસિએશન જેવા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. મોરબીની આર્થિક પ્રગતિને વેગ આપવા માટે ટ્રાફિક અને લોજિસ્ટિક્સનું યોગ્ય આયોજન કરવું અનિવાર્ય છે. ખાસ કરીને ઔદ્યોગિક ટ્રકો અને ભારે વાહનોના પરિવહન માટે અલગ વ્યવસ્થા, ભવિષ્યના નવા ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરનું નિર્માણ અને ટ્રાફિક નિયમન અંગે હકારાત્મક મંથન કરવામાં આવ્યું હતું, જેથી ઉદ્યોગોની સાથે સામાન્ય જનતાને પણ અવરજવરમાં સરળતા રહે.
શ્રમિકો માટે સસ્તા આવાસ અને સામાજિક સુવિધાઓનું આયોજન
સામાન્ય નાગરિકો અને શ્રમિક વર્ગ માટે સસ્તા દરે રહેણાંકના મકાનો ઉપલબ્ધ થાય તે હેતુથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનની નજીક ‘એફોર્ડેબલ હાઉસિંગ ઝોન’ બનાવવાની દરખાસ્ત પર ભાર મૂકવામાં આવ્યો હતો. મોરબીના સામા કાંઠે એટલે કે પૂર્વ વિસ્તારમાં નવી હોસ્પિટલો, શાળાઓ અને બગીચાઓ જેવી સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે પણ ગંભીરતાથી ચર્ચા થઈ હતી. આ સાથે જ જિલ્લાના ઐતિહાસિક વારસાને જાળવવા હેરિટેજ અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે પણ વિવિધ સંગઠનો પાસેથી રચનાત્મક સૂચનો લેવામાં આવ્યા હતા.
પર્યાવરણ જાળવણી અને પ્રદૂષણ નિયંત્રણ માટેના મક્કમ પગલાં
વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન જળવાય તે માટે નવા નિયમો મુજબ ઔદ્યોગિક વિસ્તારોમાં ‘ગ્રીન બફર ઝોન’ અને નવા ઝોનિંગની વ્યવસ્થા ઊભી કરવા પર ચર્ચા કરાઈ હતી. હવાનું અને પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના સુવ્યવસ્થિત નિકાલ અંગે કડક આયોજન કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સૌર ઉર્જા જેવા રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી જાહેર સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવીને મોરબી-વાંકાનેરને સ્વચ્છ અને હરિયાળું શહેર બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

