WHOનો ચોંકાવનારો રિપોર્ટ: એક અબજથી વધુ લોકો માનસિક વિકારથી પીડાય છે
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના તાજેતરના અહેવાલો – ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ટુડે’ અને ‘મેન્ટલ હેલ્થ એટલાસ 2024’ – એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૨૧ માં વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા, જેનો અર્થ છે કે વિશ્વમાં દર સાતમાંથી એક વ્યક્તિ માનસિક વિકારથી ગ્રસ્ત છે. આ સમસ્યાઓમાં સૌથી સામાન્ય ચિંતા (Anxiety) અને હતાશા (Depression) છે.
આ રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે આત્મહત્યા યુવાનોમાં મૃત્યુનું એક મુખ્ય કારણ છે, જે વૈશ્વિક સ્તરે દર ૧૦૦ મૃત્યુમાંથી એકનું કારણ બને છે. આ ઉપરાંત, સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડર જેવા ગંભીર માનસિક વિકારો પણ એક મોટી ચિંતા છે, જે અનુક્રમે ૨૦૦ માંથી એક અને ૧૫૦ માંથી એક પુખ્ત વયના વ્યક્તિને અસર કરે છે. રિપોર્ટમાં સ્કિઝોફ્રેનિયાને સૌથી વધુ વિક્ષેપજનક અને સમાજ માટે સૌથી મોંઘો માનસિક વિકાર ગણાવ્યો છે.
તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત:
WHOના ડાયરેક્ટર જનરલ, ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે જણાવ્યું કે માનસિક સ્વાસ્થ્યમાં રોકાણ એ લોકો, સમુદાયો અને અર્થતંત્રમાં રોકાણ છે, જેને કોઈ પણ દેશ અવગણી ન શકે. તેમણે દરેક સરકાર અને નેતાને તાત્કાલિક પગલાં લેવા માટે આહ્વાન કર્યું છે. તેમનું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્ય સેવાઓને મૂળભૂત અધિકાર તરીકે જોવી જોઈએ, વિશેષાધિકાર તરીકે નહીં.
આ રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે માનસિક સ્વાસ્થ્ય પરનો ખર્ચ અત્યંત ઓછો છે. વિશ્વભરની સરકારો તેમના કુલ આરોગ્ય બજેટના માત્ર ૨ ટકા જ આ ક્ષેત્રમાં ખર્ચ કરે છે, જે ૨૦૧૭ થી યથાવત છે. માથાદીઠ ખર્ચ પણ ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં $૬૫ થી લઈને ઓછી આવક ધરાવતા દેશોમાં $૦.૦૪ જેટલો ઓછો છે. આ આંકડા દર્શાવે છે કે માનસિક સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો કરવા માટે મોટા પાયે રોકાણ અને માનવ સંસાધનોની તાત્કાલિક જરૂર છે, ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં જ્યાં માનસિક સ્વાસ્થ્ય કાર્યકરોની સંખ્યા ઘણી ઓછી છે.