મુકેશ અંબાણીનું તેલનું ગણિત: રશિયા નહીં તો હવે મિડલ ઈસ્ટ! ૩ દેશો સાથેની મોટી ડીલ પાછળનું રહસ્ય શું છે?
અમેરિકા દ્વારા બે રશિયન તેલ ઉત્પાદકો પર પ્રતિબંધ મૂકાયા બાદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) અને અમેરિકાથી લાખો બેરલ ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે. આ ખરીદી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની ડિલિવરી માટે કરવામાં આવી છે.
મિડલ ઈસ્ટ અને અમેરિકા પાસેથી ખરીદી
અહેવાલમાં સૂત્રોના હવાલાથી જણાવ્યા મુજબ, રિલાયન્સે સૌદી અરેબિયાના ખફજી, ઇરાકના બસરા મીડિયમ અને કતારના અલ-શાહીન માંથી વિવિધ ગ્રેડના ક્રૂડ ઓઇલની સાથે-સાથે અમુક અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (WTI) ક્રૂડ ઓઇલની પણ ખરીદી કરી છે. આ માલ ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં ભારત પહોંચે તેવી સંભાવના છે.

રિલાયન્સ આ વર્ષે જથ્થાની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી રશિયન તેલ આયાતકાર રહી છે, જે પ્રતિબંધિત કંપનીઓ પૈકીની એક, રોસનેફ્ટ પીજેએસસી (Rosneft PJSC) સાથે લાંબા ગાળાના કરાર દ્વારા તેલ ખરીદતી હતી. વેપારીઓએ જણાવ્યું કે રિલાયન્સ સામાન્ય રીતે મધ્ય પૂર્વીય ગ્રેડનું ક્રૂડ ઓઇલ ખરીદે છે, પરંતુ આ તાજેતરની ખરીદી, જેમાં અમેરિકી પ્રતિબંધો પહેલાંના કેટલાક વ્યવહારો પણ સામેલ છે, તે સામાન્ય કરતાં વધુ સક્રિય રહી છે.
અન્ય રિફાઇનરીઓ પણ બજારમાં સક્રિય
કુલ મળીને, રિલાયન્સે આ મહિને હાજર બજાર (Spot Market)માંથી ઓછામાં ઓછું ૧ કરોડ બેરલ તેલ ખરીદ્યું છે, જેમાં મિડલ ઈસ્ટના તેલનો મોટો હિસ્સો છે અને મોટાભાગનું ક્રૂડ ઓઇલ અમેરિકી પ્રતિબંધો પછી ખરીદવામાં આવ્યું છે.
રિલાયન્સ ઉપરાંત, અન્ય ભારતીય રિફાઇનરીઓ પણ હાજર બજારમાં સક્રિય છે, ખાસ કરીને મિડલ ઈસ્ટ, અમેરિકા અને બ્રાઝિલમાંથી ખરીદી કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજાર પર અસર
રશિયન ઉત્પાદકો – રોસનેફ્ટ અને લુકોઇલ પીજેએસસી (Lukoil PJSC) પર પ્રતિબંધ લાગુ થયા બાદ, રોસનેફ્ટ-સમર્થિત નાયરા એનર્જી લિમિટેડ સિવાયની મુખ્ય ભારતીય રિફાઇનરીઓ માટે રશિયન તેલનો પ્રવાહ ઝડપથી ઘટવાની અપેક્ષા છે.
આના પરિણામે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાડી દેશોના ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે.
- બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતોમાં ૫ ટકાથી વધુનો વધારો થયો છે.
- ૨૦ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ખાડી દેશોના ક્રૂડ ઓઇલની કિંમતોમાં લગભગ ૮ ટકાનો વધારો જોવા મળ્યો છે.
- ૨૦ ઓક્ટોબરે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત $૬૧.૦૧ પ્રતિ બેરલ હતી, જે વધીને લગભગ $૬૬ પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. એટલે કે, ચાર દિવસમાં લગભગ $૬ પ્રતિ બેરલનો વધારો થયો છે.
આ વધારાનું મુખ્ય કારણ એ છે કે વિશ્વના મોટા આયાતકારો તરફથી ખાડી દેશોના ક્રૂડ ઓઇલની માગ વધી ગઈ છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે ભારતીય રિફાઇનરીઓ રશિયન તેલ છોડીને માત્ર ખાડી દેશો પર કેટલો મદાર રાખે છે.

