બોલિવૂડના જાણીતા આર્ટ-ડિરેક્ટર નીતિન દેસાઈ આત્મહત્યા પ્રકરણમાં પોલીસે નીતિનના ફોનમાંથી મળેલી ઓડિયો-ક્લિપના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં ચાર લોકોનો ઉલ્લેખ છે.
પોલીસે જ્યાં ઘટના બની તે જગ્યાએ કામ કરતા 10 લોકોના નિવેદન નોંધ્યા છે.
બીજી સૌથી મોટી વાત એ પણ હતી કે નીતિન પર લગભગ 250 કરોડ રૂપિયાનું દેવું હતું.
તેમની કંપની એનડી સ્ટુડિયો પર ભારે દેવું હતું. નીતિને એક કંપની પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી.
જે વ્યાજ સહિત લોનની રકમ રૂ. 250 કરોડ સુધી પહોંચી ગઈ હતી.
કંપનીએ રિકવરી માટે કાયદેસરના પગલાં લીધાં હતાં. કંપનીએ ત્યાંના જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ સ્ટુડિયો જપ્ત કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. એનડી સ્ટુડિયોને સીલ કરવામાં આવે એવી પણ શક્યતા હતી.
નીતિન 58 વર્ષના હતા. તેઓ પોતાનો મોટા ભાગનો સમય પોતાના એનડી સ્ટુડિયોમાં વિતાવતા હતા. પોલીસસૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે દેસાઈ મંગળવારે રાત્રે 10 વાગ્યે તેમના રૂમમાં ગયા હતા. આજે સવારે તેઓ ઘણા સમય સુધી બહાર આવ્યા ન હતા.
તેમના બોડી ગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખખડાવ્યો. બારીમાંથી જોયું તો દેસાઈનો મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો.