મુંબઇઃ ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ પર ફરી આંતકી હુમલાનું સંકટ ઉભી થયુ છે અને તેના લીધે મુંબઇમાં હાઇ એલર્ટ જારી કરાયુ છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના પ્રાપ્ત બાતમીના આધારે મુંબઇમાં આંતકવાદીઓ દ્વારા ફરી હુમલો થઇ શકે છે અને આથી હાઇ એલર્ટ જારી કરી સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગને સાવચેત કરાયા છે. આ બાતમીના પગલે મુંબઇ પોલીસ પણ સાવધ થઇ ગઇ છે.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આતંકવાદીઓ મુંબઇમાં ડ્રોન વડે હુમલો કરી શકે છે તેવી આશંકા ગુપ્તચર વિભાગે વ્યક્ત કરી છે. આથી સાવચેતીના ભાગ રૂપે મુંબઇમાં કોઇ પણ પ્રકારના ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુંબઇ પોલીસે શહેરમાં કોઇ પણ પ્રકારના ડ્રોન ઊડાવવા પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. ગુપ્તચર ખાતાને મળેલી બાતમી મુજબ ઉત્સવો અને પર્વોને ધ્યાનમાં રાખીને આતંકવાદીઓ રિમોટ ઓપરેટેડ લાઇટ એરક્રાફ્ટ, એર મિસાઇલ કે ડ્રોન દ્વારા મુંબઇ પર હુમલો કરી શકે છે.
ગુપ્તચર વિભાગને મળેલા ઈન્પુટને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસે કોઇ પણ પ્રકારના ફ્લાઇંગ ઓબ્જેક્ટ પર તત્કાળ અમલમાં આવે એ રીતે પ્રતિબંધ મૂકી દીધો હતો અને મહત્ત્વનાં સ્થળોએ પોલીસ બંદોબસ્ત કર્યો હતો. લોકોને પણ સાવધ રહેવાની તાકીદ કરાઇ હતી.