શું તમારી પણ SIP ફેલ થઈ ગઈ છે? જાણી લો ભવિષ્યમાં કેટલું મોટું નુકસાન થઈ શકે છે!
જો તમે તમારા રિટાયરમેન્ટ કે બાળકોના ભવિષ્ય માટે લાંબા ગાળાનું ફંડ બનાવવા માંગતા હોવ, તો મ્યુચ્યુઅલ ફંડને એક અત્યંત અસરકારક રોકાણ સાધન માનવામાં આવે છે. આજકાલ લાખો લોકો દર મહિને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા રોકાણ કરે છે. જો કે, ઘણીવાર એવું બને છે કે ખાતામાં પૂરતા પૈસા ન હોવાને કારણે અથવા અન્ય કારણોસર સમયસર SIPનો હપ્તો જઈ શકતો નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે SIP પેમેન્ટ ચૂકી જવાથી તમારા રોકાણ પર શું અસર પડે છે? મ્યુચ્યુઅલ ફંડનો હપ્તો બાઉન્સ થવો સામાન્ય બાબત લાગે છે, પરંતુ કોઈ પણ SIP ચૂકી જતા પહેલા તમારે તેનાથી જોડાયેલી મહત્વની બાબતો ચોક્કસ જાણી લેવી જોઈએ.

જ્યારે SIPની નિયત તારીખ આવે છે ત્યારે શું થાય છે?
જો તમે મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ કરો છો, તો દર મહિને નક્કી કરેલી તારીખે તમારા લિંક કરેલા બેંક ખાતામાંથી આપમેળે જ રકમ કપાઈ જાય છે. નિયત તારીખ આવતા પહેલા જ તમને બેંક અથવા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ તરફથી મેસેજ કે નોટિફિકેશન મળવાનું શરૂ થઈ જાય છે, જેથી તમે ખાતામાં પૂરતું બેલેન્સ જાળવી રાખો અને SIP પેમેન્ટ બાઉન્સ ન થાય.
પરંતુ જો તમારા બેંક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય, તો તમારો eNACH મેન્ડેટ ફેઈલ થઈ શકે છે. બેંકના નિયમો અને પ્રોસેસિંગના સમય મુજબ સામાન્ય રીતે એક કે બે દિવસમાં તમને ટ્રાન્ઝેક્શન ફેલ થવાનો મેસેજ મળી જાય છે. જો ખાતામાં પૂરતી રકમ જમા ન કરવામાં આવે, તો SIPનું પેમેન્ટ ફરીથી રિજેક્ટ થઈ શકે છે.
શું SIP બાઉન્સ થવા પર કોઈ પેનલ્ટી કે ચાર્જ લાગે છે?
જો તમારો SIP હપ્તો બાઉન્સ થાય છે અને તમે સમયસર ચૂકવણી કરી શકતા નથી, તો મ્યુચ્યુઅલ ફંડની રકમ તમારા ખાતામાંથી કપાતી નથી. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) સામાન્ય રીતે SIPના નોન-પેમેન્ટ માટે કોઈ પેનલ્ટી લેતી નથી.
પરંતુ તમારી બેંક દ્વારા NACH કે ECS બાઉન્સ ચાર્જ ચોક્કસ વસૂલવામાં આવે છે. આ ચાર્જ સામાન્ય રીતે દરેક નિષ્ફળ ટ્રાન્ઝેક્શન દીઠ ₹૨૫૦ થી ₹૭૫૦ સુધીનો હોઈ શકે છે, જેમાં ૧૮% GST પણ અલગથી જોડાઈ શકે છે. યાદ રાખો કે આ દંડ મ્યુચ્યુઅલ ફંડ કંપની દ્વારા નહીં, પરંતુ તમારી પોતાની બેંક દ્વારા લગાવવામાં આવે છે.

મ્યુચ્યુઅલ ફંડ SIP ચૂકી જવાથી રોકાણ પર શું નુકસાન થાય છે?
મોટાભાગના નાણાકીય નિષ્ણાતો હંમેશાં SIP સાથે જોડાયેલા બેંક ખાતામાં પૂરતું બેલેન્સ જાળવી રાખવાની સલાહ આપે છે. જો કોઈ કારણસર તમે સમયસર SIPનો હપ્તો ન ભરી શકો, તો રોકાણકારોએ નીચે મુજબની અસરોનો સામનો કરવો પડી શકે છે:
૧. ચક્રવૃદ્ધિ વ્યાજ (Compounding) નો લાભ ઘટે છે: હપ્તો ચૂકી જવાનો મતલબ એ છે કે બજારમાં ઓછી રકમ રોકાઈ છે, જે ભવિષ્યમાં તમારા લાંબા ગાળાના વેલ્થ ક્રિએશન (ધન સર્જન)ને અસર કરી શકે છે.
૨. SIP કેન્સલ થવાનું જોખમ: જો તમે સતત અને વારંવાર SIP હપ્તાઓ ભરવામાં નિષ્ફળ જાઓ છો, તો મ્યુચ્યુઅલ ફંડ કંપનીના નિયમો અનુસાર તમારી SIP આપમેળે રદ પણ થઈ શકે છે.
૩. બજારની તુકો ચૂકી જવાય છે: જો કોઈ મહિનાનો હપ્તો બાઉન્સ થાય છે, તો તે મહિનાની રકમ રોકાતી નથી. આનો અર્થ એ થયો કે તમે પ્રવર્તમાન બજાર ભાવે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ખરીદવાની તક ગુમાવી દો છો.
૪. લક્ષિત કોર્પસ પર અસર: લાંબા ગાળે ઓછું રોકાણ થવાને કારણે તમારું ફાઇનાન્સિયલ ગોલ (લક્ષ્ય) કદાચ પૂરું ન પણ થાય, સિવાય કે તમે પછીથી વધારાનું રોકાણ કરીને આ ખાપ પૂરું કરો.
