ખેતીમાં ટેકનોલોજીનો નવો યુગ: ડ્રોન દીદી બની ગ્રામ્ય ભારતની ઓળખ
વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને વેગ આપવા યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-૨૦૨૬માં ટેકનોલોજી અને નારી શક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. દેવભૂમિ દ્વારકાના બંસરીબેન હડિયલ આ કોન્ફરન્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમને આજે આખું ગામ અને આસપાસનો વિસ્તાર “ડ્રોન દીદી” તરીકે ઓળખે છે. પરંપરાગત ખેતીમાં કલાકોની કાળી મજૂરીને બદલે હવે આધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા તેઓ ખેતીકામને સરળ અને ઝડપી બનાવી રહ્યા છે. આ પરિવર્તન “નમો ડ્રોન દીદી યોજના” ની સફળતાનું જીવંત ઉદાહરણ છે.
૧૫ દિવસની તાલીમ અને આત્મનિર્ભરતાની ઉડાન
બંસરીબેને સરકારની આ યોજના હેઠળ અમદાવાદ ખાતે ૧૫ દિવસની વિશેષ તાલીમ લીધી હતી. આ તાલીમમાં તેમણે ડ્રોન પાયલોટિંગની થિયરી સાથે રીમોટ કંટ્રોલ દ્વારા ડ્રોન ઉડાવવાનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું હતું. આજે તેઓ આત્મવિશ્વાસ સાથે ખેતરોમાં ડ્રોન ઉડાવી રહ્યા છે. સરકાર દ્વારા વિનામૂલ્યે મળેલા ડ્રોન અને તાલીમના કારણે તેઓ માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા, પરંતુ વર્ષે લાખોની આવક પણ મેળવી રહ્યા છે. આ યોજનાએ ગામડાની સામાન્ય ગૃહિણીઓને હાઈ-ટેક પાયલોટ બનાવી દીધી છે.
ખેડૂતોને ફાયદો: સમય, શ્રમ અને પાણીની બચત
ડ્રોન ટેકનોલોજીના ફાયદા જણાવતા બંસરીબેને કહ્યું કે, પંપ દ્વારા દવાનો છંટકાવ કરવામાં જે મહેનત અને સમય જતો હતો, તે ડ્રોન દ્વારા ગણતરીની મિનિટોમાં પૂરો થાય છે. ડ્રોનથી દવાનો છંટકાવ અત્યંત ચોકસાઈપૂર્વક થાય છે, જેના કારણે દવાનો બગાડ અટકે છે અને પાણીની પણ મોટી બચત થાય છે. ખેડૂતોને ઓછા ખર્ચે ઝડપી સેવા મળતા પાકની ગુણવત્તા જળવાઈ રહે છે. બંસરીબેન જેવા અનેક મહિલાઓ હવે ટેકનોલોજીના સથવારે ખેતીમાં ક્રાંતિ લાવી રહ્યા છે.
‘વિકસિત ભારત’ માટે ગ્રામીણ મહિલાઓનું યોગદાન
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-૨૦૨૬માં રજૂ થયેલી આ સફળતાની કહાણી એ વાતની સાબિતી છે કે સરકારની નીતિઓ હવે ગામડાંઓ સુધી પહોંચી રહી છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ટેકનોલોજી આધારિત યોજનાઓએ મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. બંસરીબેને રાજ્ય સરકાર અને મોદી સાહેબનો આભાર માનતા જણાવ્યું કે આ ડ્રોન મળ્યા બાદ તેમનો સામાજિક અને આર્થિક દરજ્જો વધ્યો છે. “ડ્રોન દીદી” આજે નવા અને આધુનિક ભારતની એક મજબૂત ઓળખ બનીને ઉભરી છે.


