Narmada Dam નદીમાં વધતી આવકને કારણે મેઈન કેનાલ અને પાવર હાઉસમાંથી પાણી છોડવાનું શરૂ
Narmada Dam ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 117.52 મીટરે પહોંચી ગઈ છે, જેના કારણે તંત્ર એલર્ટ પર છે અને સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરવાસમાંથી 25,000થી વધુ ક્યુસેક પાણીની આવકથી ડેમની મેઇન કેનાલમાં 12,750 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાતા પાવર જનરેશન માટેના ટર્બાઇન પણ ચાલુ કરી દેવાયા છે. હાલ RBPH (રાઈટ બેંક પાવર હાઉસ) ના ચાર અને CHPH (કેનાલ હેડ પાવર હાઉસ) નો એક ટર્બાઇન કાર્યરત છે, જેના દ્વારા કુલ 20,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં 40% થી વધુ વરસાદ, તંત્ર સતર્ક
આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતમાં મજબૂત વરસાદ જોવા મળ્યો છે. માત્ર જુલાઈના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં સિઝનનો 40% કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અનેક નદી-નાળાઓ છલકાઈ ગયા છે અને કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
તંત્ર તરફથી નર્મદા જિલ્લામાં એન.ડિ.આર.એફ. (SDRF) ની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે જિલ્લા કલેક્ટર કચેરીના સંકલનમાં રહીને રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર છે. પૂર, ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં લોકોને સલામત રાખવા માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું છે.
48 કલાક ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વના રહેશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. આગામી પાંચ દિવસ માટે પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી શકે છે.