સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘમહેર: ગરમીથી લોકોને મળી રાહત
ગુજરાતમાં ચોમાસાની બીજી ઈનિંગ્સ શરૂ થતાં જ નદીઓ અને ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ભરૂચ જિલ્લામાં આવેલો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ તેની સપાટીમાં સતત વધારો થવાને કારણે ચિંતાનો વિષય બન્યો છે. અહેવાલો મુજબ, ગોલ્ડનબ્રિજની સપાટીમાં દર કલાકે એક ફૂટનો વધારો નોંધાઈ રહ્યો છે, જે ભયજનક સપાટી તરફ આગળ વધી રહી છે. આજે સવારે ૧૧ કલાકે જળસ્તર ૧૩.૨૮ ફૂટ પર પહોંચી ગયું હતું.
આ જળસ્તર વધવાનું મુખ્ય કારણ ઉપરવાસમાં આવેલા ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમમાંથી ૨૮,૦૨૪ ક્યુસેક અને સુખી ડેમમાંથી ૪,૧૦૫ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેનો પ્રવાહ નર્મદા નદીમાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી પણ ૧૩૫.૫૮ મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાં ૩.૬૮ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૩.૪૫ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભરૂચની સાથે સાથે સુરત શહેરમાં પણ વરસાદે ફરી દસ્તક દીધી છે. ઘણા દિવસોના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. સુરતમાં વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
નર્મદા નદીમાં પાણીની આવક સતત વધી રહી હોવાથી નદી કિનારાના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી શક્યતા છે.

