વેડ દરવાજા ડિમોલિશન વિવાદ: કથિત ‘નકલી’ ડિમોલિશન મુદ્દે કમિશનર અને મેયરનું ભેદી મૌન

4 Min Read

વેડ દરવાજા નાસીર નગર ડિમોલિશન વિવાદ: કથિત ‘નકલી’ ડિમોલિશન મુદ્દે કમિશનર અને મેયરનું ભેદી મૌન, સત્તાધીશો કેમ ભાગી રહ્યા છે સવાલોથી?

સુરતના વેડ દરવાજા વિસ્તારમાં આવેલા નાસીર નગરમાં તાજેતરમાં જ કરાયેલા ડિમોલિશનનો મામલો હવે ભારે ગરમાયો છે. ગરીબ અને શ્રમજીવી પરિવારોના આશિયાના છીનવી લેનારી આ કાર્યવાહી સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર ડિમોલિશન ‘કથિત રીતે નકલી’ હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે સ્થાનિક તંત્ર અને શાસક પક્ષના પદાધિકારીઓ સંપૂર્ણપણે ભીંસમાં મુકાયા છે. જ્યારે મીડિયા અને જનપ્રતિનિધિઓ દ્વારા આ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે જવાબદાર અધિકારીઓ અને નેતાઓ કેમેરા સામેથી ભાગતા નજરે પડ્યા હતા.

ગરીબોના આશિયાના પર બુલડોઝર, પણ જવાબદારી લેવા કોઈ તૈયાર નહીં!

નાસીર નગરમાં રહેતા શ્રમજીવી અને મધ્યમ વર્ગના લોકોએ વર્ષોની મહેનત પછી પોતાના માથા પર કાચા-પાકા મકાનોની છત બનાવી હતી. કોઈ પણ આગોતરી સચોટ નોટિસ કે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા વિના જ અચાનક તંત્રના કાફલાએ આવીને આ મકાનો જમીનદોસ્ત કરી દીધા. પોતાના ઘરને તૂટતા જોઈને અનેક પરિવારો રસ્તા પર આવી ગયા છે. પરંતુ આ માનવીય સંવેદના સાથે જોડાયેલા મુદ્દા પર જ્યારે સુરત મહાનગરપાલિકા (SMC) ના ઉચ્ચ અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો, ત્યારે તંત્રની ચુપકીદીએ અનેક શંકા-કુશળકાઓને જન્મ આપ્યો છે.

- Advertisement -

s.jpg

કમિશનર સવાલોથી ભાગ્યા, મેયરે પણ સેવી લીધું મૌન

આ વિવાદિત ડિમોલિશન અંગે જ્યારે પાલિકા કમિશનરને સીધા પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપવાનું સદંતર ટાળ્યું હતું. વહીવટી વડા તરીકે જેમની ફરજ પારદર્શિતા જાળવવાની છે, તે કમિશનર સવાલોના જવાબ આપવાથી ભાગતા જોવા મળ્યા હતા.

- Advertisement -

બીજી તરફ, સુરતના પ્રથમ નાગરિક અને મેયર માયા માવાની સમક્ષ જ્યારે આ ગરીબોના ઘર તોડવાનો મુદ્દો લાવવામાં આવ્યો, ત્યારે તેમણે પણ મૌન ધારણ કરી લીધું હતું. કેમેરા સામે મેયરનું આ મૌન ઘણું બધું કહી જાય છે. જે જનતાના મતોથી સત્તા પર બેઠેલા પ્રતિનિધિઓ ગરીબોની પડખે ઊભા રહેવાના દાવા કરે છે, તેઓ જ આજે આટલા મોટા ડિમોલિશન મામલે મૌન સેવીને બેસી ગયા છે. સત્તાધીશો પાસે આ કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે કોઈ સત્તાવાર જવાબ કે કાગળ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

શું ડિમોલિશન ખરેખર ‘નકલી’ હતું? કોંગ્રેસના આક્ષેપોથી ખળભળાટ

આ સમગ્ર મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના અગ્રણીઓએ આ અંગે પાલિકામાં રજૂઆત કરી. કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાયેલી પૂછપરછમાં પાલિકાના આંતરિક વર્તુળોમાંથી એવો ચોંકાવનારો જવાબ મળ્યો કે, “આ ડિમોલિશન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું જ નથી!”

જો પાલિકાએ આ ડિમોલિશન નથી કર્યું, તો પછી કોના ઈશારે અને કયા અધિકારીઓની હાજરીમાં ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવાયું? શું કોઈ ખાનગી હિત ધરાવતા ભૂમાફિયાઓ કે તત્વોએ પાલિકાના નામે આ આખી નકલી કાર્યવાહી કરી નાખી? અથવા તો પાલિકાના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ મેળાપીપણું કરીને સત્તાવાર મંજૂરી વિના આ ખેલ પાર પાડ્યો છે? આ એવા પ્રશ્નો છે જેનો જવાબ આપવા પાલિકા તંત્ર કે શાસકો તૈયાર નથી.

- Advertisement -

su.jpg

ભ્રષ્ટાચાર અને મિલીભગતની ગંધ: શ્રમજીવીઓનો આક્રોશ

નાસીર નગરના પીડિત પરિવારોમાં હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ ડિમોલિશન કાયદેસરનું હતું, તો કમિશનર કે મેયર મીડિયા સમક્ષ આવીને છાતી ઠોકીને કેમ નથી કહેતા કે આ કયા નિયમ હેઠળ થયું? સત્તાધીશોની આ ચુપકીદી જ સાબિત કરે છે કે દાળમાં કંઈક કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે. કોઈ મોટા બિલ્ડર કે સ્થાપિત હિતોને ફાયદો કરાવવા માટે ગરીબોને બલિનો બકરો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

Share This Article