Ajmer Dargah: અજમેર દરગાહ વિવાદમાં હિન્દુ પક્ષને ઝટકો, કેન્દ્ર સરકારે કેસ રદ કરવાની ભલામણ કરી
Ajmer Dargah અજમેરની પ્રસિદ્ધ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહને લઈને ચાલી રહેલા વિવાદમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. દરગાહના સ્થાન પર અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાનો દાવો કરી દાખલ કરાયેલ હિન્દુ સેનાના કેસને કેન્દ્ર સરકારે અસ્વીકાર કર્યો છે. આ કારણે હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે.
અજમેરની જિલ્લાકક્ષાની અદાલતમાં આજે થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારના લઘુમતી મંત્રાલયે સ્પષ્ટ રીતે જણાવ્યું કે હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરાયેલ કેસ સુનાવણીલાયક નથી. મંત્રાલયે આ કેસને ટેકનિકલ અને કાનૂની ખામીઓથી ભરેલું ગણાવ્યું છે અને તેના આધારે તેને રદ કરવાની ભલામણ કરી છે.
મંત્રાલયના દલીલ અનુસાર, કેસમાં ભારત સંઘને પક્ષકાર બનાવવામાં આવ્યો નથી, કે જે ગંભીર કાનૂની ખામી ગણાય છે. તેમજ, કેસનો હિન્દી અનુવાદ યોગ્ય રીતે કરવામાં આવ્યો નથી. અગાઉના કેટલાક આદેશોમાં પ્રતિવાદી પક્ષોને યોગ્ય રીતે સાંભળવામાં નથી આવ્યા, અને કેસમાં દ્રઢ આધારનું અભાવ જણાય છે.
કોર્ટમાં આજે કેસ રદ કરવાની ભલામણ થતાં સુનાવણી મુલતવી રાખવામાં આવી છે અને આગામી તારીખ 31 મે નક્કી કરવામાં આવી છે. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ જણાવ્યું કે તેઓ આ મામલે કાનૂની અભિપ્રાય લઈ યોગ્ય જવાબ દાખલ કરશે.
મુસ્લિમ પક્ષ, ખાસ કરીને દરગાહના ખાદિમો અને તેમના વકીલ આશિષ કુમાર સિંહે કેન્દ્ર સરકારના આ નિવેદનનું સ્વાગત કર્યું છે. તેમનું કહેવું છે કે આ કેસ શરૂઆતથી જ ધાર્મિક ભેદભાવ ફેલાવવાનો પ્રયાસ હતો અને તેનો કોઇ મજબૂત આધાર ન હતો.
કેન્દ્ર સરકારના આ અભિગમને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે. પરંતુ આજના નિર્ણયથી સ્પષ્ટ છે કે સરકાર આ પ્રકારના ધાર્મિક વિવાદોને ગંભીરતાથી લે છે અને ટેકનિકલ અને કાનૂની દ્રષ્ટિએ મજબૂત દસ્તાવેજો વગરના દાવાઓને માન્યતા આપતી નથી.